સુરત, 1 એપ્રિલ (હિ.સ.) શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરનો ઉપદ્રવ વધતા નાગરિકો પરેશાન થયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળા અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાએ ટેકનોલોજીનો સહારો લીધો છે. ખાસ કરીને, જ્યાં પાલિકા કર્મચારીઓ મેન્યુઅલી દવાનો છંટકાવ કરી શકતા નથી, ત્યાં પ્રથમ વખત એઆઈ-એમ.એલ આધારિત ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.
આ નવી પદ્ધતિનો પ્રારંભ રાંદેર ઝોનના ભેસાણ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ પાણીના લીકેજ કે સ્થિર પાણીના કારણે મચ્છરનું ઉત્પાદન થતું હોય છે, જેને નિયંત્રિત કરવું જરૂરી બને છે. દવા છંટકાવની ટેક્નિક સુધારવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં પહેલીવાર કરવામાં આવ્યો છે.
પાલિકા દ્વારા ડ્રાય ડે ઝુંબેશ અને નિયમિત સર્વેક્ષણ કાર્યક્રમો દ્વારા પણ મચ્છરોના બ્રીડિંગ સ્પોટનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ જ્યાં મેન્યુઅલ પહોંચ શક્ય નથી, ત્યાં હવે ડ્રોન દ્રારા દવાનો છંટકાવ કરીને વધુ અસરકારક નિયંત્રણ શક્ય બનશે.
સુરત પાલિકા આ મશીનરીનો મહત્તમ ઉપયોગ કરીને મચ્છર નિયંત્રણ માટે નવી ટેક્નિક અપનાવવા માગે છે. ખાસ કરીને મેલેરિયા, ડેંગ્યુ, અને ફાઇલેરિયા જેવા રોગચાળાને અટકાવવા માટે આ પદ્ધતિ મહત્વની સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે