અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દીનની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સમગ્ર સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના એક લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ કરી મ્હો મીઠું કરાવવામાં આવ્યું હતું
Surat


, 10 એપ્રિલ (હિ.સ.)-ચૈત્ર સુદ તેરસના શુભ દિને આશરે ૨૬૨૪ વર્ષ પહેલાં જૈન ધર્મના આ ચોવીસીના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. જેની ઉજવણી આ વર્ષે તારીખ 10 એપ્રિલ, ગુરુવારના રોજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિન રૂપે સમગ્ર સુરત શહેરમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના અહિંસાના સંદેશ સાથે શુદ્ધ ઘીના એક લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ કરી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવી હતી .

લાડુ વિતરણના આ કાર્યક્રમમાં અનેક જૈન પરિવારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો , મંડપો બાંધવામાં આવ્યા હતા , દરેક મંડપ ઉપર આશરે 400 થી 500 જેટલા જૈન યુવક, યુવતીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા , ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સત્વનોથી વાતાવરણ સુમધુર થઈ ગયું હતું અને ધ્વજા પતાકા લહેરાતી હતી તથા આવનારા જનારા દરેક રાહદારી, બસ ચાલક, રીક્ષા ચાલક, દ્વિચક્રીય તથા ચારચક્રીય વાહન ચાલક તમામનું જય મહાવીર સ્વામીના સંબોધન સાથે બે હાથ જોડીને મ્હો મીઠું કરાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત પ્રસંગે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં ભગવાન મહાવીરસ્વામીનો સત્ય , પ્રેમ , કરુણા અને અહિંસાનો ઉપદેશ આજના જગત માટે ખુબ જ જરુરી છે તેમ જણાવ્યું હતું તથા આજના દિને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હાથ જોડીને બધાનું મ્હો મીઠું કરાવીને આ સંદેશ આપવા પ્રયત્ન કરીએ છીએ તેમ કહ્યું હતું .

૨૪ સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા પણ આ કાર્યની પ્રશંસા કરાઈ હતી અને કહ્યું કે ગઈ કાલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ આજના યુગમાં જૈન ધર્મની કેટલી પ્રાસંગિકતા છે તે જણાવ્યું હતું .

છેલ્લા સત્તર જેટલા વર્ષોથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા આ દીનની ઉજવણી કરવામાં આવે છે.

ઉપરોક્ત પ્રસંગે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી , ધારાસભ્ય કાંતિભાઇ બલર , કોર્પોરેટર કેયુરભાઈ , કેતનભાઈ , વૈશાલીબેન સહિત વિવિધ સમાજના મહાનુભવો , જૈન અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જૈન ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા .

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande