વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.)-રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષના ભાગરૂપે સહકારથી સમૃધ્ધિ અંતર્ગત વલસાડ જિલ્લા સેન્ટ્રલ કો.ઓ.બેંક લિ. અને સુરત જિલ્લા સેન્ટ્રલ કો-ઓ.બેંક લિ.ની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (Primary Agriculture Credit Society- PACS) દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
સહકારથી સમૃધ્ધિ અંતર્ગત મળેલી વલસાડ અને સુરત સહકારી કો.ઓ. બેંકની સમીક્ષા બેઠકમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાની એક પણ ગ્રામ પંચાયત PACS વિના બાકી ન રહેવી જોઈએ તેવુ ભારપૂર્વક જણાવી વધુમાં કહ્યું કે, દરેક ગ્રામ પંચાયતમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી હોવી જોઈએ. આ મંડળીએ ગામની દૂધ મંડળીના અને અન્ય સહકારી મંડળીના સભાસદોને સાંકળીને ધિરાણ આપવાનું કામ પણ કરવાનું છે. ખેડૂતોને - પશુપાલકોને આ મંડળી દ્વારા ધિરાણ આપવા પર મંત્રીએ આ તબક્કે ભાર આપ્યો હતો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન છે કે, PACS દ્વારા ધિરાણથી ગામડાઓમાં નવી રોજગારીઓનું સર્જન થશે અને ગામડા મજબૂત બનશે. તમામ સહકારી સંસ્થાઓના દરેક સભાસદના એકાઉન્ટ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકમાં હોવા જોઈએ તેમ જણાવ્યું હતું.
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડમાં રૂ. 3 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવતું હતું તે વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવ્યું છે. એગ્રીકલ્ચર લોન પર ત્રણ ટકા કેન્દ્ર સરકાર અને ચાર ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. જેનાથી ખેડૂતોને રાહત મળે છે. દેશમાં 70 વર્ષ સુધી સહકાર વિભાગ ન હતો પરંતુ કેન્દ્રિય સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર મંત્રાલય શરૂ કરી સહકારી પ્રવૃતિ થકી ગ્રામીણ અર્થતંત્રને વેગવાન બનાવવાનું અને સહકાર વિભાગને વાઈબ્રન્ટ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા માછીમારોની સહકારી મંડળીને પણ પેક્સ દ્વારા ઘિરાણ મળે તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા માછીમારોને તેમની બોટ પર ડિઝલની સબસિડીનો પણ લાભ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ બેઠકમાં સહકાર સચિવ સંદીપ કુમાર અને રાજ્યની સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એન.વી.ઉપાધ્યાયએ પેક્સ સભાસદોની સંખ્યા વધારવા, ખાતુ ધરાવતા હોય પણ ધિરાણ ન લેતા હોય તેવા પેક્સ સભાસદોની સંખ્યા વધારવા, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બેંક મિત્ર તેમજ માઈક્રો એટીએમ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
વલસાડ જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર હરીશ કાછડે સ્વાગત પ્રવચન કર્યુ હતું. બેઠકમાં વલસાડ – ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વલસાડ અને સુરત સહકારી બેંકોના ચેરમેન, મેનેજિંગ ડિરેકટરો, સીઈઓ, સુરતની સુમુલ અને ચીખલીની વસુધારા ડેરીના ચેરમેન, જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હા અને નવસારી - ડાંગના જિલ્લા રજિસ્ટ્રાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
---
------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે