પાટણ, 16 એપ્રિલ (હિ.સ.) પાટણ એસઓજી પોલીસે રાધનપુરમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે પ્રવિણ કિશનભાઈ રાણા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. 10,000ની કિંમતનો દેશી બનાવટનો તમંચો અને રૂ. 600ના ત્રણ જીવતા કારતૂસ મળી કુલ રૂ. 10,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એસઓજી ટીમ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે આરોપી વગર પરવાના તમંચો રાખે છે. તે આધારે પોલીસે રાધનપુરથી ગોચનાદ જતા રોડ પર શાકભાજી માર્કેટ નજીક નર્મદા કેનાલના પુલ પાસે આરોપીને ઝડપી લીધો હતો.
આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ રાધનપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર