પાટણ, 16 એપ્રિલ (હિ.સ.) ચાણસ્માથી મોઢેરા સુધીના હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની બંને બાજુ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ખાડાઓના કારણે વાહનચાલકો રોંગ સાઈડમાં જવા મજબૂર બને છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.
બહુચરાજી તરફ રોજબરોજ મોટી સંખ્યામાં નોકરીયાતો અને માલવાહક વાહનોની અવરજવર રહે છે, કારણ કે ત્યાં નાની-મોટી ઘણી કંપનીઓ આવેલી છે. રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની તેજ લાઈટના કારણે વાહનચાલકો અંજાઈ જાય છે અને ખાડામાં વાહન પડી જવાની શક્યતા વધી જાય છે. સ્થાનિક લોકો ખાડા તાત્કાલિક પુરવાની માંગ કરી રહ્યા છે.
હારીજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પારસ પટેલે જણાવ્યું હતું કે, રોડના પેચિંગ અને પેવરનું કામ આગામી 10 થી 15 દિવસમાં શરૂ કરવામાં આવશે. ડામરનો પ્લાન્ટ તૈયાર છે અને સરકારની મંજૂરી મળતાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર