પાટણ, 16 એપ્રિલ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા પરીક્ષા કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે પ્રાંતિજ કોલેજમાં ચાલતી ખુલ્લેઆમ નકલ અને બાસ્પા કોલેજમાં પરીક્ષા દરમ્યાન રીલ્સ બનાવવાના મુદ્દે પગલાં શું લેવામાં આવ્યા તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
યુવરાજસિંહે ખાસ કરીને LLB સેમેસ્ટર 4માં 2025ના પેપરની જગ્યાએ 2024નું પેપર આપવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ ભૂલથી વિદ્યાર્થીઓની પરીક્ષા જોખમમાં મુકાઈ છે. અગાઉ પણ યુનિવર્સિટી સમક્ષ આ બાબતે રજૂઆત થઈ હતી, પણ સંતોષકારક જવાબ ન મળતા આજે ફરીથી રજૂઆત કરવામાં આવી.
યુનિવર્સિટી તરફથી યોગ્ય પગલાં ન લેવાતા યુવરાજસિંહે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, કુલપતિએ જણાવ્યું હતું કે તપાસ સમિતિનો અહેવાલ મળ્યા પછી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર