સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેકટર
કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં ચોમાસા-2025 દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના
આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરએ ચોમાસા દરમિયાન તમામ લાઈન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી
ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, શહેર અને જીલ્લામાં જે વિસ્તારોમાં પાણી
ભરાવાના, પુર, ખાડીપુરના પ્રશ્નો ઉદ્દભવે
છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જીલ્લામાં
સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા
ક્લોરિનેશન, ડ્રેનેજ/કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને
વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ જણાવ્યું કે, ચોમાસામાં દુર્ઘટનાઓ ન બને તે શુભ સંકેત છે, પરંતુ કુદરતી કે માનવસર્જિત
દુર્ઘટનાઓ બને ત્યારે તેનો મક્કમપણે સહિયારા પ્રયાસોથી જ ઉકેલ શક્ય બને છે જેથી
પૂર્વ તૈયારીઓ જરૂરી હોવાનો મત વ્યક્ત કરી સૌને વિભાગવાર આગોતરૂ આયોજન કરવા અનુરોધ
કર્યો હતો. તેમજ સુરત જીલ્લામાં છેલ્લા 10 વર્ષમાં નદી, ડેમ, જળાશયો, કેનાલ, દરીયા, વરસાદી પાણીનો ભરાવો થયેલ
સ્થળોએ પાણીમાં અકસ્માતે ડુબી જવાથી થયેલ માનવ મૃત્યુ તેમજ ભારે પવન અને
વરસાદમાં ઝાડ, થાંભલા, હોર્ડીંગ્ઝ અને ટાંકી પડવાથી
થયેલ માનવ મૃત્યુ તેમજ ગટરના ઢાંકણા ખુલ્લા રહેવાના કારણે તેમજ ખુલ્લા
બોરવેલ/ટ્યુબવેલના કારણે થતા માનવ મૃત્યુનું વિશ્લેષણ કરી લાઈન ડિપાર્ટમેન્ટ
દ્વારા યોગ્ય પ્રિ મોનસુન કામગીરી કરી
તેમજ સાવચેતી/તકેદારીના યોગ્ય પગલાઓ લઈ આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તેમ હોય માટે
જરૂરી યોગ્ય પ્રિ મોનસુન કામગીરી કરવા તેમજ
સાવચેતી/તકેદારીના યોગ્ય પગલાઓ લઈ આવી દુર્ઘટનાઓ ટાળવા આયોજન કરવા જણાવેલ છે.
આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોના
સર્વે કરી બોર્ડ લગાવવા, જોખમી ઝાડ, વીજ પોલ, હોર્ડીંગ્ઝ, મકાનો દુર કરવા, ફાયર અને શોધ બચાવના સંસાધનો
ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું
પ્રી- મોનસુન ઈન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને
રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમસ, ડભારી બીચ સહિત હરવા ફરવાના
સ્થળો પર દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવા તેમજ જે રસ્તા/કોઝવે
પરથી પાણી પસાર થતા હોય તે રસ્તા બ્લોક કરી રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત રાખવા
બાબત, આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવા
માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરવઠો જળવાય, વીજળી, ગેસ, અનાજ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની
આવશ્યક સેવાઓ જળવાય રહે, વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી
જાય છે ત્યાં અગાઉથી જ સ્થળાંતરકરાવવા બાબત, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં
પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરી આ સમસ્યાના ઉકેલ માટે સંપર્ક કરવાના
અધિકારીશ્રીની માહિતી સબંધિત વિભાગોને આપવા સહિતની બાબતો અંગે કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ
અને માર્ગદર્શન આપ્યું હતું.
અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે
કરવા અન્ય સહાય ચૂકવણાં અંગે અગાઉથીજ સર્વે ટીમ બનાવી સહાય સમયસર ચૂકવાય તે માટે
સૂચના આપી. હજીરા નોટિફાઈડ એરિયા માટે નવું ઈઆરસી સેન્ટર બનાવવા દરખાસ્ત કરવા
જણાવેલ.
કલેકટરએ ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ, પંચાયત હસ્તકના રસ્તાઓ, મેટ્રો, DFCIL સહિતના રસ્તાઓ પરના ખોદકામ, પેચવર્ક જુન પહેલા પૂર્ણ કરી
ટ્રાફીક જામ તેમજ અકસ્માતો ન થાય તે બાબતે કાર્યવાહી કરવા જણાવેલ છે.
કલેકટરએ વિગતો આપતા કહ્યું કે, છેલ્લા 10 વર્ષો દરમિયાન
સરેરાશ 1598 એમ.એમ. વરસાદ વરસ્યો છે. 2024ના વર્ષ દરમિયાન 2199 એમ.એમ. જેટલો વરસાદ
નોંધાયો હતો. આ ઉપરાંત પુર, ભારે વરસાદ, વાવાઝોડાના સંજોગોમાં
તકેદારીના તમામ પગલાઓ લઈ, લોકોનું, પશુઓનું સમયસર સ્થળાંતર થાય
જેથી દુર્ધટનાઓ નિવારી શકાય તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. ડેમમાંથી પાણી
છોડવાના પ્રસંગે તેમજ ભારે વરસાદની આગાહીના મેસેજો ગ્રામ્ય કક્ષા સુધી છેવાડાના
તમામ લોકો અને પશુપાલકોને મળે તેમજ પુર અને ડેમમાંથી પાણી છોડવાના પ્રસંગે નદીની
અંદર પશુઓ ચરાવવા સહિતની પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે તે બાબતે જણાવેલ છે. ભારે
વરસાદની આગાહીના સમયે નિચાણવાળા અને પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં
પ્રાથમિક શાળાઓ/આંગણવાડીઓ અગાઉથી જ બંધ રાખવામાં આવે જેથી શાળાના બાળકોને રેસ્ક્યુ
કરવા જેવા બનાવો બને નહી. નદીઓ માટે સાઈન બોર્ડ તેમજ પાણીના ગેજની વિગતો જાહેર
જનતા માટે પ્રદર્શીત કરવા બાબત, પશુ રોગચાળા તેમજ પશુઓની દવાનો જથ્થો જાળવી
રાખવા, દરીયામાં ગયેલ માછીમારો અને
બોટનો ડેટા રાખવા બાબત, અદ્યોગીક અકસ્માતો નિવારવા બાબત જણાવેલ છે.
તેમજ અર્બન ફલડ અંગે અધ્યયન અહેવાલ તૈયાર કરવા એસ.એમ.સી.ને સૂચના આપવામાં આવી આ
ઉપરાંત બંધ પડેલા બોરવેલ/ટુબવેલ, અવાવરૂ કુવાઓમાં બાળકોના પડી
જવાના કારણે થતા અકસ્માતો નિવારવા માટેના પગલાઓ લેવા તમામ વિભાગને જણાવેલ છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તા.વિકાસ અધિકારીઓ તેમજ
ડિઝાસ્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે