ગાંધીનગર, 9 મે (હિ.સ.) : રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે, મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી 96 કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તા. 15-મે, 2025 સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જરૂરી નોટિફિકેશન જાહેર કરવા જિલ્લા કલેકટરઓ અને સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણય અનુસંધાને તંત્રને યોગ્ય સહકાર આપવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.
પ્રચંડ અવાજ કરતા ફટાકડાથી લોકોના મનમાં ભય અને શંકા ઉત્પન્ન થઈ શકે છે, જે હાલના સંજોગોમાં હિતાવહ નથી. આવા કૃત્યો રોકવા માટે તમામ પ્રકારના જોરદાર અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા અંગે જરૂરી નોટિફિકેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે, આગામી 96 કલાક (4 દિવસ) સુધી કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા UAV/ ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવી, આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ