ગાંધીનગર, 9 મે (હિ.સ.) : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં આરોગ્યસેવા અને સુવિધાઓ સંલગ્ન સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી.
મંત્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઇ, જમીની અને હવાઇ સીમાથી જોડાયેલ સરહદી જિલ્લાઓમાં વિશેષત: કટોકટી સમયે જરૂરી આરોગ્ય સેવા-સુવિધાઓની સમીક્ષા કરી હતી.
આ તમામ જિલ્લાઓમાં દવાના જથ્થા, બેડની , આઇ.સી.યુ.ની સુવિધાઓ, બ્લડની જરૂરિયાત સંદર્ભેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી.
કટોકટિની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગની સજ્જતા અને પૂર્વતૈયારી સંદર્ભે મંત્રીશ્રીએ વિશેષ માર્ગદર્શન અને સૂચના આપીને આ તમામ કામગીરી સુનિશ્ચિત કરવા માટેના દિશાનિર્દેશ કર્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, કમિશ્નર રતનકવરજી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ