પાટણ, 3 એપ્રિલ (હિ.સ.) પાટણ નગરપાલિકાએ નવું નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાત શરૂ કરી છે. નગરપાલિકા અને સેવિક સેન્ટર ખાતે વેરા સ્વીકારવાની વ્યવસ્થા કરી છે. નગરપાલિકામાં 6 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, અને QR કોડ દ્વારા પણ વેરાની ચુકવણી કરી શકાશે.
ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ઈ-નગર યોજના અંતર્ગત પ્રોપર્ટી અને પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલમાં 1થી 3 એપ્રિલ દરમિયાન ડેટા જનરેશન પૂર્ણ કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન રાજ્યની 146 નગરપાલિકાઓમાં ઈ-નગર પોર્ટલની પેમેન્ટ સ્ક્રીન બંધ હતી.
વેરા શાખાના સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલના જણાવ્યા મુજબ, પ્રોફેશનલ ટેક્સ મોડ્યુલ માટે પણ ડિમાન્ડ જનરેશન પૂર્ણ થઈ ચૂકું છે. નગરપાલિકા ખાતે સવારે 10:30થી સાંજે 5 વાગ્યા સુધી અને સેવિક સેન્ટર ખાતે સવારે 10:30થી સાંજે 4 વાગ્યા સુધી વેરા સ્વીકારવામાં આવશે. 30 જૂન સુધી પાણી વેરા તથા ડ્રેનેજ વેરા નોટિસ વિના સ્વીકારવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર