ગીર સોમનાથ 8 એપ્રિલ (હિ.સ.)
ગીર સોમનાથ
રાજ્યમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.
ઉનાળાની સિઝનમાં પડતી અસહ્ય ગરમી તથા તેનાથી બચવા/અસરો ઓછી કરવા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાનાં તમામ વિભાગો/કચેરીને હિટવેવની એડવાઇઝરી મુજબ સૂચનાઓ આપવામાં આવી હતી.
અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં હીટવેવ એક્શન પ્લાનના અસરકારક અમલીકરણ અને સંકલન માટે નોડલ અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ગીર સોમનાથ તથા તાલુકા કક્ષાના નોડલ અધિકારી તરીકે સંબંધિત તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીની નિમણૂક કરવામાં આવી છે.
હીટવેવને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા તથા જરૂરી વ્યવસ્થાનાં ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અને પોગ્રામ ઓફિસરશ્રી ICDS જિ. ગીર સોમનાથને તમામ આંગણવાડી, શાળા અને કોલેજોમાં અભ્યાસના સમયમાં જરૂરી ફેરફાર કરવા તથા તમામ આંગણવાડીઓ, શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ORS, પાણી તેમજ હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરાશે.
ગીર સોમનાથ જિલ્લામાં શ્રમિકોને હીટવેવને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા તથા જરૂરી વ્યવસ્થાનાં ભાગરૂપે મનરેગા હેઠળ ચાલતા તમામ કામો તેમજ ક્ન્ટ્રકશન સાઇટ ઉપર શ્રમિકો માટે ORS, પાણી તેમજ હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવા અને આવા કામો બપોરની વધુ પડતી ગરમી દરમિયાન બંધ રાખવા જણાવ્યું છે.
ગરમીની અસરથી બચવા માટેના સૂચનો
*લૂ લાગવાના(સનસ્ટ્રોક) ના લક્ષણો*
માથું દુખવું, પગની પીંડીઓમા દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામા ખેંચ આવવી આ તમામ લૂ લાગવાના લક્ષણો છે.
*લૂથી બચવાના આરોગ્યલક્ષી સૂચનો*
સીધા સુર્યપ્રકાશથી બચવું અને વારંવાર પાણી પીવું અને શકય તેટલુ વધારે પાણી અને પ્રવાહી પીવું. લૂ લાગવાની સ્થિતીમાં લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ, તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમા પીવા. ગરમીમાં શકય હોય ત્યાંસુધી બહાર નીકળવાનું ટાળવું.
દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાયામા રહેવું. ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીમાં માથુ ઢકાય તેમ ઉપયોગ કરવો.
નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ગરમીમા બજારમાં મળતો ખૂલ્લો વાસી ખોરાક ખાવો નહી, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો.
આર્યુવેદની દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે કાળી દ્રાક્ષ પાણીમા પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.
લૂ લાગવાના કિસ્સાઓમા જો તાત્કાલીક તબીબી સારવાર લેવામાં ન આવે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે. લુ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ