અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) ઉનાળાના આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે. અમદાવાદમાં પણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. શહેર પશ્ચિમના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી હતી. જેમાં આગ પર કાબુ મેળવતા સમયે બે ફાયરકર્મીને ઈજા પહોંચી હતી. જ્યારે પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ તનમન ભાજીપાવની સામે આવેલા પ્લોટમાં ખાણી-પીણીથી લઇ સીઝનલ ચીજ વસ્તુઓના વેચાણના ઉભા કરવામાં આવેલા હંગામી સ્ટોલમાં આગ લાગી હતી. બંને જગ્યાએ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગને કાબુ લીધી હતી. બંન્ને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, મોડી રાતે 12.45 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે વસ્ત્રાલ વિસ્તારમાં તન-મન ભાજીપાવની સામે પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલમાં આગ લાગવાની ઘટના બની છે.જેથી ઓઢવ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.ફાયર બ્રિગેડની કુલ પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલોમાં લાગેલી આગ બુજાવી હતી. હંગામી ધોરણે ઉભા કરવામાં આવેલા ચીજ વસ્તુઓના વેચાણ બજારમાં આગ લાગી હતી.
વસ્ત્રાલ વિસ્તારમાં આર.કે.ફર્નિચર નામથી ફર્નિચરનો વેપાર કરનારા કિશનભાઈએ જણાવ્યું હતું કે, ખાનગી માલિકીના પ્લોટને ભાડે આપવામાં આવેલો હતો. મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. નાની-નાની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને બીજી વસ્તુઓનો સીઝનલ વેપાર ધંધો કરતા હતા, તેમના શેડમાં આગ લાગવાની ઘટના બની હતી. આ જગ્યા ઉપર ફટાકડા અને પતંગ જેવા સીઝનલનો વેપાર ધંધો કરવામાં આવતો હતો. રાત્રે ફટાકડા પણ ફૂટ્યા હોય તેઓ અવાજ આવતો હતો.
ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસરે જણાવ્યું હતું કે, વસ્ત્રાલ તન-મન ભાજીપાવની સામે પ્લાસ્ટિક સહિત અલગ-અલગ ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ ઉભા કરવામાં આવેલા હતાં, જેમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હંગામી ધોરણે ઊભા કરવામાં આવેલા વિવિધ ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ હતા. પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓ હતી, જે બળીને ખાખ થઈ ગઈ હતી. હંગામી સ્ટોલની બાજુમાં ફર્નિચરના એક ગોડાઉન સુધી આગ પ્રસરી ગઈ હતી, જેને પણ કાબુમાં લઈ લેવામાં આવી હતી. સમગ્ર
શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી કરતા મજૂરો માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. લેબર કોલોનીમાં 6-7 નાની ઓરડીમાં આગ લાગી હતી. હતી આગ લાગતાની સાથે જ કોલોનીમાં રહેલા મજૂરો દોડીને તરત બહાર નીકળી ગયા હતા. રાધા ઓરડીમાં રાખવામાં આવેલા પલંગ ગાદલા સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવા અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
આગને કાબુમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર કર્મચારીને ઈજા થઈ છે. એક કર્મચારીને પગના ભાગે, જ્યારે બીજા કર્મચારીને હાથે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતાં. બુલેટ ટ્રેનની કામગીરી કરવા માટે આવેલા મજૂરો માટે આ લેબર કોલોની બનાવેલી હતી. 600 જેટલા મજૂરોને રહેવા માટે નાના-નાના અલગ અલગ રૂમ ઊભા કરવામાં આવેલા હતા. રાત્રે અચાનક જ કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા મજૂરો પણ બહાર દોડી ગયા હતા, જેના કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ