પાટણ, 7 એપ્રિલ (હિ.સ.). પાટણમાં ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત અને વિવિધ સંસ્થાઓના નેજા હેઠળ વ્યાયામ શિક્ષકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી યોજી હતી. આ રેલી કલેક્ટેર કચેરી સુધી પહોંચી, જ્યાં શિક્ષકોએ પોતાની માંગણીઓ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું.
વિદ્યાલયોમાં વ્યાયામ શિક્ષકની નિયુક્તિ માટે ક્રીડા ભારતી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી. હાલના સમયમાં, હંગામી ધોરણે નિમાયેલા ખેલ સહાયકોના કરાર પૂર્ણ થયા છે અને તેઓ છૂટા કરવામાં આવ્યા છે.
ક્રીડા ભારતીના ગુજરાત મંત્રી ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું કે જો આગામી સમયમાં સરકાર તેમની માંગણીઓ માને નહીં, તો બધા સંગઠનો સાથે મળીને સરકાર સામે ગંભીર આંદોલન શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર