પાટણ, 7 એપ્રિલ (હિ.સ.)
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 1 થી 6 એપ્રિલ 2025 દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 2025ને ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલોજી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ મહિનાની ઉજવણી કરવામાં આવી, જેમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પર ઇન્ટરેક્ટિવ ચર્ચા યોજાઈ.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી પણ કરવામાં આવી, જેમાં દરિયાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર વૈજ્ઞાનિક શો આયોજિત થયો. ડાયનોસોરના જીવન અને અંતના રહસ્યો પર ચર્ચા કરવામાં આવી, અને માટી વગરની ખેતી (હાઇડ્રોપોનીક્સ) ટેક્નોલોજી પર વર્કશોપ યોજાયો. 7 જિલ્લાઓની 24 શાળાઓના 1600 વિદ્યાર્થીઓ અને 2400 નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.
આ પ્રયોગાત્મક શૈક્ષણિક કાર્યક્રમમાં કુલ 4000થી વધુ સહભાગીઓએ જ્ઞાનનો લાભ લીધો. તે ઉપરાંત, સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29 એપ્રિલથી 7 જૂન 2025 દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એ.આઈ., રોબોટિક્સ, જૈવવિવિધતા, જિનેટિક્સ, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા વિષયો શામેલ હશે.
કેમ્પના પહેલા તબક્કામાં 29 એપ્રિલથી 3 મે દરમિયાન વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વર્કશોપ, ગેલેરી આધારિત એક્ટિવિટીઓ, આકાશ દર્શન અને સૂર્ય દર્શનનો લાભ મળશે. 24 એપ્રિલ 2025 સુધી નોંધણી કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર