સુરત , 17 એપ્રિલ (હિ.સ.)-આદિવાસીઓની પ્રકૃતિ અને પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ગુજરાતે 'જ્યાં નાગરિક ત્યાં સુવિધા'નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે. રાજ્યના વિકાસ માટે શહેરીજનથી લઇ છેવાડાના માનવી માટેની રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. કોલધા, કાથોડી, કોટવાળીયા, પઢાર તેમજ સિદ્દી જેવી આદિમજૂથની જાતિઓના વિકાસથી છેલ્લા બે દાયકામાં 360 ડિગ્રીએ થયેલા વિકાસને અનુભવી શકાય છે, ત્યારે સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જન મન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ લીધી હતી અને આવાસના બાંધકામની પ્રગતિથી વાકેફ થયા હતા.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, ભારત સરકારની પીએમ જન મન આવાસ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં એક વર્ષમાં કુલ 11,376 મકાનો કોટવાળીયા સમાજને મળ્યા છે. જેમાં સુરત જિલ્લામાં 621 મકાનો મંજૂર થયા છે. તેમાં પણ માંડવી તાલુકામાં 91 આવાસ પૈકી વલ્લારગઢમાં ૫૩ પીએમ જનમન આવાસ યોજના હેઠળ કોટવાળીયા સમાજના મકાન પાક્કા બની રહ્યા છે.
માંડવી તાલુકાના વલ્લારગઢ ગામના 40 વર્ષીય લાભાર્થી અશોકભાઈ કોટવાળીયા સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો. અશોકભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી વાંસની ટોપલી ટોપલા સહિતની ઉત્પાદનો તેમજ ખેત મજૂરી એ જઈને ઘર પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. વર્ષોથી જોયેલું સ્વપ્ન આજે સાકર થઈ રહ્યું છે. એક સાથે અમારી ત્રણ પેઢીના મકાન બનતા પરિવારની ખુશી બેવડી થઈ ગઈ હતી. સરકારની આદિમ જૂથો માટે અનેક યોજનાઓ અંતર્ગત ઘરઆંગણે નલ સે જલ યોજના થકી પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે. અંત્યોદય અન્ન યોજના હેઠળ દર મહિને રાશન મળી રહ્યું છે.
પીએમ જન મન આવાસમાં હેઠળ રૂ. બે લાખ સહાય તેમજ મનરેગા યોજના અંતર્ગત લેબર વર્કના એક કુટુંબને 100 દિવસની રોજગારી પેટે રૂ. 22 હજાર આપવામાં આવી રહ્યા હોવાનું અશોકભાઈએ કહ્યું હતું.
'સુખના સરનામા' સમાન પાકું આવાસ મળતા આનંદિત અશોકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાય વર્ષો વિત્યા પણ પોતાનું પાકું ઘર બન્યુ ન હતું. વહીવટી તંત્રના માર્ગદર્શનથી ફોર્મ ભર્યું અને પ્રધાનમંત્રી જન મન આવાસ યોજનાની સહાય મળવાની એક આશા બંધાણી. આવાસ મંજૂર થતા સરકારની આ યોજનાએ અમારી ખુશીઓના દ્વાર ખોલ્યા છે. આવાસ માટે પ્રથમ હપ્તામાં 50 હજાર મળ્યા અને બીજા હપ્તામાં એક લાખ 20 હજાર મળ્યા છે અને બાકી બચત કરેલી પુંજી ઉમેરીને આજે પોતાનું ઘર બનાવી રહ્યા છીએ. તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતા સુરત જિલ્લા તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે