સાઇકલ સવારીથી ફિટનેસને જોડવા અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશ દેશભરમાં ફેલાવા એક હથ્થુ સાહસયાત્રા
થુથ્થુ કોડીના તમિમ અન્સારીએ 18 વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો
52 હજાર કિલોમીટરની સાઇકલ યાત્રા કરીને લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે
35 દિવસમાં 6 હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારતમાં ફરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશ આપશે
ભરૂચ 17 એપ્રિલ (હિ.સ.)
એક હથ્થુ સાહસયાત્રા સાઇકલ સવારીથી ફિટનેસને જોડવા તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશ દેશભરમાં ફેલાવવાના ધ્યેય સાથે માત્ર એક જ હાથ હોવા છતાં તમીમ અન્સારી (ઉ.વ.38) નામના સાઇકલ સવારે બેંગલોરથી 6 એપ્રિલે એકલપન્ડે સાયકલ યાત્રા શરૂ કરી આજરોજ ભરૂચમાં આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાઈકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તામીલનાડુના થુથ્થુ કોડી ગામના રહેવાસી તમિમ અન્સારીએ ફક્ત 18 વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો પણ હૈયામાં હામ નહતી ગુમાવી. આ સાયકલ યાત્રામાં તમીમ અન્સારી 35 દિવસમાં 6 હજાર કિલોમીટરનું અંતર કાપી અને ભારત ભરમાં ફરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશ આપશે.
આ સાઇકલ સવારે અત્યાર સુધીમાં 52 હજાર કિલોમીટરની સાઇકલ યાત્રા કરીને લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે . હવે આ સાહસવીરની મહેચ્છા અગામી પેરા ઓલમ્પિકમાં ભાગ લેવાની છે અને એના માટે જોરદાર તૈયારી પણ કરી રહ્યા છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ