બીલીમોરાના અનાવિલ યુવકની ઓસ્ટ્રેલિયામાં ઘાતકી હત્યા
નવસારીની, 9 એપ્રિલ (હિ.સ.)-બીલીમોરાના અનાવિલ યુવકની ઓસ્ટ્રેલિયામાં મંગળવાર રાત્રે રૂમ પાર્ટનરે નજીવી બાબતે ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા નિપજાવતા ચકચાર મચી હતી. મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમાજ દ્વારા હાથ ધરાઈ હોવાના સમાચાર પ્રા
Navsari


નવસારીની, 9 એપ્રિલ (હિ.સ.)-બીલીમોરાના અનાવિલ યુવકની ઓસ્ટ્રેલિયામાં મંગળવાર રાત્રે રૂમ પાર્ટનરે નજીવી બાબતે ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા નિપજાવતા ચકચાર મચી હતી. મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમાજ દ્વારા હાથ ધરાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.

ચીખલી તાલુકાના દેગામ ગામના વતની અને બીલીમોરા આઈટીઆઈ પાછળ યમુના નગર સોસાયટીમાં વર્ષોથી રહેતા મિહિરભાઈ મુકેશભાઈ દેસાઈ (37) એક દાયકા અગાઉ ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યાં પત્ની સાથે છૂટાછેડા બાદ એકલો જ રહેતો હતો. બીજી તરફ પરિવારમાં પિતા મુકેશભાઈનું નિધન થતા બીલીમોરામાં માતા માયાબેન એકલા જ રહે છે. જ્યારે બહેન પાયલ લગ્ન બાદ વીતેલા ત્રણેક વર્ષોથી જર્મની દેશમાં વસવાટ કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મિહીર દેસાઈ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બરવુડ નામના ગામમાં રહેતો હતો. જ્યાં ચારેક મિત્રો ભાડાનાં મકાનમાં રહેતા હતા. દરમ્યાન મંગળવારે રાત્રે મિત્રો પાર્ટી કરી રહ્યા હતા. જેમાં કોઈક વાતે રૂમ પાર્ટનર પંજાબી મિત્ર સાથે બોલાચાલી થઈ હોવાનું કહેવાય છે. જેને પગલે ઉશ્કેરાયેલા પંજાબી યુવકે ચપ્પુના ઘા ઝીંકી દેતા મિહીર દેસાઈનું કરુણ મોત નિપજ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયન પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.

જોકે બીલીમોરામાં મિહીરની માતા એકલા રહેતા હોવાથી જાણ કરાઈ નથી. બીજી તરફ જર્મનીથી મિહીરના બેન બનેવી વતન બીલીમોરા આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભારતીય સમાજે મિહિરના મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande