ગીરસોમનાથ, 9 એપ્રિલ (હિ.સ.) જિલ્લામાં “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS)-૨૦૨૫”ની પરીક્ષા તા.૧૨/૦૪/૨૦૨૫ને શનિવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન યોજાશે. જે પરીક્ષા કેન્દ્રો તથા તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામાં મુજબ ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રો તથા તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ પરીક્ષા સ્થળોની આસપાસ બિનજરૂરી ભેગા થવું નહીં.
જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલિકો/સંચાલકો ઉપરોક્ત જાહેર પરીક્ષાને લગતા કોઈ પણ સાહિત્ય, પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહીં.
પરીક્ષાના સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવાના રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમ્યાન કોઈ પણ ઈસમે કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં.
પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/કરાવવું નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં.
આ જાહેરનામાની અમલવારી તા.૧૨/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૪:૩૦ કલાક સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૨૨૩ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ