પાટણ, 20 મે (હિ.સ.)પાટણ એલસીબી પોલીસે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલતાં ચાર આરોપીઓને ધરપકડ કરી રૂ. 4,37,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક વી.કે. નાથીની સૂચના મુજબ મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને શોધવા શરૂ કરવામાં આવી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે ખુલાસો થયો હતો કે બનાસકાંઠાના સમૌ ગામના કેટલાક શખ્સોએ ઠાકરાસણ અને કનેસરા ગામની પ્રાથમિક શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરી કર્યા હતા. આરોપીઓએ ઠાકરાસણની શાળામાં એક વખત અને કનેસરાની શાળામાં બે વખત ચોરી કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં મુકેશસિંહ જાદવ, અર્જુનસિંહ જાદવ, પંકજસિંહ જાદવ (બધા સમૌના) અને સુરેશજી ઠાકોર ઉર્ફે પપ્પુ (લાલપુર, સિદ્ધપુર)નો સમાવેશ થાય છે. જયારે જબ્બરસિંહ જાદવ અને લીલુસિંહ જાદવ હજુ ફરાર છે. આરોપીઓની ધરપકડ BNSS કલમ-35(1)E મુજબ અને મુદ્દામાલ BNAS કલમ-106 મુજબ કબજે કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર