મોડાસા, 20 મે (હિ.સ.) ખેડબ્રહ્મા તાલુકાના સરહદી અને આદિવાસી વિસ્તારમાં આવેલ મીઠીબીલી ગામે પ્રથમ વખત રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ગામના યુવક-યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 25 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પના સફળ આયોજનમા સ્થાનિક આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રી -કર્મચારીશ્રીઓ, ગામના સ્વયંસેવકો અને યુવા સંગઠનોના સતત પ્રચાર-પ્રસાર અને જાગૃતિ અભિયાનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જ્યાં રક્તદાન અંગે અજ્ઞાનતા અને ભય જોવા મળતો, ત્યાં આજે લોકોમાં સહયોગી ભાવના અને માનવસેવાના ઊંડા સંકલ્પ સાથે રક્તદાન કરવા આવકાર મળ્યો છે.આ અવસરે ગામના સજ્જનોએ અને આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓને કૃતજ્ઞતાપૂર્વક વંદન અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રક્તદાન કેમ્પો દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવા અને માનવતાના સંદેશને વ્યાપક બનાવવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય શક્ય બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ