ગાંધીનગર, 20 મે (હિ.સ.) : ગુજરાત આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે સતત આગેકૂચ કરી રહ્યું છે, અને તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ ઝડપી વિકાસની સાથે, ગુજરાત કુદરતી આપત્તિઓથી થતા નુકસાનને ટાળવા માટે આગોતરી તૈયારીઓ કરવા અને સ્થિતિસ્થાપકતા સ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં, મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને ભારે પવનની સ્થિતિ દરમિયાન રાજ્યની આ પ્રતિબદ્ધતા જોવા મળી હતી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના ઊર્જા વિભાગે આ કુદરતી પડકારનો સામનો કરવા માટે ઝડપી અને સંગઠિત કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 5 મે, 2025ની સાંજથી 6 મે, 2025ની સવારના સમયગાળા દરમિયાન ભારે હવામાનને કારણે વિવિધ જિલ્લાઓના 7327 ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, પ્રથમ 24 કલાકમાં જ 88 ટકાથી વધુ ગામોમાં અને બાકીના ગામોમાં 48 કલાકમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી. આમ, ફક્ત 48 કલાકમાં જ તમામ ગામોમાં વીજળી પરત આવી હતી.
*ગુજરાત રાજ્ય ઊર્જા વિભાગના નેતૃત્વમાં મજબૂત આપદા વ્યવસ્થાપન
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, વીજ કંપનીઓએ પહેલેથી જ એક વ્યાપક આપદા વ્યવસ્થાપનની યોજના બનાવી હતી. ઝડપી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ સ્થળોએ આવશ્યક સામગ્રીનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો હતો. 5 મે, 2025ના દિવસે સાંજે જ્યારે રાજ્યભરમાં અણધાર્યો ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો, ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને તેની સહયોગી કંપનીઓના કંટ્રોલ રૂમને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા. બીજા દિવસે, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની એક સમીક્ષા બેઠકમાં તમામ ટીમોને, નાગરિકોની સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના, તેમના કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી. નુકસાનના સમારકામ માટે તેમજ શક્ય તેટલી ઝડપે વીજળીને પુનઃસ્થાપિત કરવા માટે વીજ વિતરણ કંપનીઓની 1026 ટીમો અને ટ્રાન્સમિશન કંપનીઓની 87 ટીમો, જેમાં 5426 કુશળ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેમને તહેનાત કરવામાં આવી હતી.
*જિયોઊર્જા (GeoUrja): રિયલ-ટાઇમ મોનિટરિંગના માધ્યમથી નિર્ણયોને પ્રાથમિકતા આપવામાં આવી
આ સમગ્ર કામગીરીમાં GeoUrja સિસ્ટમે મુખ્ય ભાગ ભજવ્યો હતો. જિયોઊર્જા સિસ્ટમ એક જીઓ મેપ કરવામાં આવેલ વીજ નેટવર્ક છે, જે ઓનલાઈન પાવર સપ્લાય સ્ટેટસ મોનિટરિંગ પ્લેટફોર્મ સાથે સંકલિત છે. આ ટેક્નોલોજી થકી ડિસિઝન મેકર્સ એટલે કે નિર્ણયકર્તાઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં અસરકારક અને ઝડપી પુનઃસ્થાપન કાર્યને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં મદદ મળી. વધુમાં, ચોમાસા પહેલા હાથ ધરવામાં આવતી વીજ નેટવર્કની નિયમિત નિવારક જાળવણીની પ્રક્રિયાએ અચાનક કમોસમી વરસાદ અને તોફાની પવનોને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
*હજારો ગામડાઓ અને જિલ્લાઓમાં ઝડપી વીજ પુનઃસ્થાપન
5 મેની સાંજથી 6 મેની સવાર દરમિયાન, ભારે હવામાનને કારણે વિવિધ જિલ્લાઓના 7,327 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, પહેલા 24 કલાકમાં 6,425થી વધુ ગામડાઓમાં એટલે કે 88%થી વધુ ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, અને બાકીના 902 ગામોમાં 48 કલાકમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આમ, તમામ ગામોમાં ફક્ત 48 કલાકમાં જ વીજ પુરવઠો ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો. જીવીસીએલ હેઠળના આઠ શહેરોમાં પણ વીજળી ખોરવાઈ હતી, પરંતુ 12 કલાકમાં તેમનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારો ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને યુજીવીસીએલ વિતરણ કંપનીઓના કાર્યક્ષેત્રો હેઠળ આવતા હતા. વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ભરૂચ, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, મહીસાગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
આ જ વિસ્તારોમાં, 5,822 ગામો અસરગ્રસ્ત થયા હતા, જેની આશરે 12.68 લાખની વસ્તીને અસર થઈ હતી. આ ગામોમાંથી 4,987 ગામો (85 ટકાથી વધુ) માં 24 કલાકમાં વીજળી પુનઃસ્થાપિત થઈ ગઈ હતી, જ્યારે બાકીના ગામોમાં 48 કલાકમાં વીજળી પુનઃસ્થાપિત થઈ હતી. તે જ રીતે, 480 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું, જેમાંથી 376 ને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યા, અને અન્યને પણ ટુંક સમયમાં જ પુનઃ કાર્યરત કરવામાં આવ્યા હતા. 216 અસરગ્રસ્ત સબસ્ટેશનમાંથી, 215 સબસ્ટેશન્સ 24 કલાકની અંદર કાર્યરત થઈ ગયા હતા, અને છેલ્લું એક પછીના 12 કલાકની અંદર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. 231 ક્ષતિગ્રસ્ત ટ્રાન્સમિશન લાઈનોમાંથી, 210 લાઇનોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો.
*MGVCLએ વડોદરામાં ઝડપી વીજ પુનઃસ્થાપન સુનિશ્ચિત કર્યું
વડોદરા શહેરમાં ભારે પવન અને ભારે વરસાદને કારણે, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા, જેના કારણે સમગ્ર શહેરમાં વીજ લાઇનોને નુકસાન થયું. 11 kV ના કુલ 151 ફીડર પ્રભાવિત થયા હતા, પરંતુ વાવાઝોડા પછી મોડી રાત સુધીમાં બધા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. સમારકામ અને લાઇનોના બાંધકામ માટે 100થી વધુ વિભાગીય ટીમો અને 20 થી વધુ કોન્ટ્રાક્ચ્યુઅલ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. ટ્રાન્સફોર્મર સુધારણા માટે ત્રણ સમર્પિત ટીમોને નિયુક્ત કરવામાં આવી હતી, તેમજ રિંગ મેઇન યુનિટ (RMU) ટીમ અને એક અન્ડરગ્રાઉન્ડ ફોલ્ટ ડિટેક્શન ટીમને ઝડપથી પુનઃસ્થાપન સુનિશ્ચિત કરવા માટે નિયુક્ત કરવામાં આવી હતી.
MGVCLએ ચોવીસ કલાક દેખરેખ અને સંકલન માટે સર્કલ ઓફિસમાં તાત્કાલિક એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો. બીજા દિવસે સાંજ સુધીમાં, સમગ્ર શહેરમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગયો. મુખ્ય નુકસાન ઉખડી ગયેલા વૃક્ષો અને પડી ગયેલા હોર્ડિંગ્સને કારણે થયું હતું, જેના કારણે 76 થાંભલા અને 7 ટ્રાન્સફોર્મર તૂટી ગયા હતા. MGVCLએ અવરોધો દૂર કરવા અને સમારકામ કરવા માટે કેબલ ફોલ્ટ ડિટેક્શન વાન, લેડર વાન અને ક્રેન પણ તૈનાત કર્યા હતા. વ્યાપક નુકસાન છતાં, MGVCL ની ટીમે રાતભર અથાક મહેનત કરી. કેન્દ્રીયકૃત ફરિયાદ કેન્દ્રને તે જ દિવસે 5,360 થી વધુ ફરિયાદો મળી હતી. આમાંથી, 4,700 નો ઝડપથી ઉકેલ લાવવામાં આવ્યો હતો, અને બાકીની ફરિયાદોનો ઉકેલ આ સક્રિય આયોજન પછી તરત જ લાવવામાં આવ્યો હતો.
*20,349 ફીડર પર 38 લાખ વીજ વિક્ષેપનો 30 મિનિટમાં જ ઉકેલ આવ્યો
ગુજરાત રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા ગયા વર્ષે પણ વીજ પુન:સ્થાપન માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. 20,349 ફીડર પર 38 લાખ વીજ વિક્ષેપ હોવા છતાં, રાજ્યએ બધા ફીડર પર સરેરાશ દૈનિક 23 કલાક 30 મિનિટનો વીજ પુરવઠો જાળવી રાખ્યો હતો. મોટા ભાગના વિક્ષેપો 30 મિનિટમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
દેશના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતે સાબિત કર્યું છે કે, તે સક્રિય આયોજન, ઝડપી પ્રતિભાવ અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા કુદરતી આફતોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, એવા મજબૂત ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે, જે કોઈપણ પડકાર માટે તૈયાર હોય.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ