મોડાસા, 20 મે (હિ.સ.) સાબરકાંઠા જીલ્લામા ઇડર ટાઉન હોલ ખાતે ધારાસભ્ય રમણલાલ વોરાના અધ્યક્ષસ્થાને અટલ ભૂજલ યોજના અંતર્ગત કેચ ધ રેન અને ટ્રી પ્લાન્ટેશનનું એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આવનારા દિવસોમાં નકકર આયોજન કરી સાચા અર્થમાં જળસંચય અને વૃક્ષારોપણનું ચોક્કસ આયોજન કરી તેની સાર સંભાળ અને સફળતા મળે તે આશયથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં અટલ ભૂજલ યોજના દ્વારા છેલ્લા ચાર વર્ષમાં થયેલ કામગીરી અને ઇડર અને વડાલીમાં ભૂગર્ભ જળની અત્યારની વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી હતી. ભવિષ્યમાં જળ સંચય અને વૃક્ષારોપણ માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ઈડર તાલુકાના 30 કરતાં વધારે પ્રકૃતિ પ્રેમીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વર્કશોપમાં તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ,પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ પી.સી પટેલ, ઇડર કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કેમ્પેનના આયોજક સતિષભાઈ પટેલ,વિવિધ અગ્રણીઓ સહિત ઇડર અને વડાલીના તમામ ગામોના સરપંચ ,દૂધમંડળી ચેરમેન , સેવા મંડળી ચેરમેન ,તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ