પાટણ, 8 મે (હિ.સ.)પાટણની શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર)એ 2024-25ના શૈક્ષણિક વર્ષે SSC બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે. કુલ 108માંથી 107 વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 99.07% રહ્યું છે. શાળાના 21 વિદ્યાર્થીઓએ A1 અને 30 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
શાળાના ટોપર્સમાં પટેલ સ્વયમ મયુરકુમારે 600માંથી 586 ગુણ મેળવી 99.95 PR સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મનસુરી અયાન ઈમરાન અને પટેલ વેદ કેતનકુમારે 600માંથી 583 ગુણ મેળવી 99.89 PR સાથે દ્વિતીય સ્થાન હાંસલ કર્યો છે. આ પરિણામ શાળાની ઉચ્ચ શૈક્ષણિક સ્તર અને નિષ્ઠાવાન શિક્ષણની સાક્ષી આપે છે.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આ શાળાએ સંસ્કાર અને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ બનાવી છે. શાળા પરિવારના પ્રમુખ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડીયા, ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, મંત્રી રાકેશભાઈ સોની, નવીનભાઈ પ્રજાપતિ અને આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર