સુરત, 9 મે (હિ.સ.)-ભારતીય સેના દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક અમલમાં મૂકી દેવાઈ હતી. જેના પગલે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ચેતનસ્તર પર આવી ગઈ છે. સુરત શહેર અને જિલ્લો પણ સંવેદનશીલ વિસ્તાર તરીકે ચિહ્નિત થયેલો હોવાથી અહીં વિશેષ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીના નિર્દેશન હેઠળ વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યારે સુરત પોલીસ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ અને શંકાસ્પદ હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ડુમસ, હજીરા, ડભારી, અને સુંવાલી જેવા વિસ્તારોમાં પોલીસની સઘન હાજરી જોવા મળી રહી છે. દરિયાઈ ઘુસણખોરી અટકાવવા સ્થાનિકોને પણ ચેતવવામાં આવ્યા છે તથા ગામડાઓમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્ય સ્તરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ઈમરજન્સી બેઠક બોલાવીને દવાઓ અને સારવાર માટે જરૂરી તંત્ર તૈયાર રાખવા સૂચના આપી છે. સમગ્ર સુરત જિલ્લો હાલ એલર્ટ સ્થિતિમાં છે અને તમામ એજન્સીઓ વચ્ચે સંકલન સ્થાપિત કરાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે