સુરત, 9 મે (હિ.સ.)-પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાના સહાસિક સર્જીકલ પ્રહારો બાદ દેશમાં રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો છે. શક્ય યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ તંત્રોને સક્રિય કરવામાં આવ્યા છે. સુરતમાં પણ તૈયારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં દવાઓ અને તાત્કાલિક સારવાર માટે જરૂરી સાધનસામગ્રીનો પૂરતો જથ્થો સંગ્રહવામાં આવી રહ્યો છે.
આ સંજોગોમાં શહેરના યુવાનોમાં દેશભક્તિની લાગણી જાગી છે અને આજે સવારથી જ મોટી સંખ્યામાં યુવાઓ રક્તદાન માટે નવી સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. રક્તની શક્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુવાઓ સ્વયંપ્રેરિત રીતે આગળ આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર રક્તદાન માટેના સંદેશાઓ વાયરલ થતાં શહેરીજનોમાં ઉલ્લેખનીય ઉત્સાહ જોવા મળ્યો છે. નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં ફરજ બજાવતા ડૉ. જીતેન્દ્ર પટેલ અને કાજર પરમાર સાથે સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્ર સાથે સિવિલ તંત્ર પણ સંપૂર્ણ રીતે એલર્ટ પર છે અને આગામી સમયમાં જરૂરી તમામ આરોગ્યસેવાની વ્યવસ્થાઓ માટે તૈયારી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે