વડોદરા , 9 મે (હિ.સ.)-વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ સભ્ય આશિષ જોષી અને પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિને ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક પગલા લેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
આશિષ જોષીને પાર્ટીના સક્રિય તથા પ્રાથમિક સભ્યપદમાંથી 8મે, 2025ના રોજ બરખાસ્ત કરવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા જણાવાયું કે તેમને ઘણી વખત મૌખિક અને લેખિત ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં તેઓમાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો. તેમના વિરુદ્ધ શિસ્તભંગ અને પાર્ટીની છબીને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓના પુરાવા પણ સામે આવ્યા હતા. પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીએ સત્તાવાર પત્ર જાહેર કરીને આ માહિતી આપી હતી.
અરવિંદ પ્રજાપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિગરેટ પીતા ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે ફોટો એડિટેડ હોવાનો હોવા છતાં ભારે વિવાદ સર્જાયો. પાર્ટી સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો અને પક્ષની છબીને નુકસાન થાય તેવી આ હરકત સામે રાજ્ય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરીને તેમને પણ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શિસ્તભંગ અને પક્ષની છબી બગાડનારા કોઈપણ કાર્યકર કે નેતા સામે સખત પગલાં લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે