સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત, મુખ્યમંત્રી એ 2204 કરોડ રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી
ગાંધીનગર, 9 મે (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે “અર્નિંગવેલ લીવીંગવેલ”નો ધ્યેય સાકાર કરવા નગરો-મહાનગરોમાં 2204.85 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ


ગાંધીનગર, 9 મે (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે “અર્નિંગવેલ લીવીંગવેલ”નો ધ્યેય સાકાર કરવા નગરો-મહાનગરોમાં 2204.85 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી સમક્ષ સંબંધિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોએ સ્થાનિક જરૂરિયાત મુજબના વિકાસ કામો માટે સામાન્ય સભામાં મંજૂરી લઈને નાણાં ફાળવવાની કરેલી માંગણી અનુસાર મુખ્યમંત્રીએ આ રકમ ફાળવવાની અનુમતિ આપી છે.

શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તીકરણથી વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના શહેરોના નિર્માણનો હેતુ વિકાસ કામોની આ સૈદ્ધાંતિક મંજૂરીઓમાં અભિપ્રેત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં 2024- 25ના ગત વર્ષના બજેટ કરતા 40 ટકા વધારો કરીને 30325 કરોડ રૂપિયા ફાળવ્યાં છે.

તેમણે નાગરિક કેન્દ્રીત શહેરોના નિર્માણને કેન્દ્રસ્થાને રાખીને આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકોમાંથી જે તે નગર-મહાનગરની જરૂરિયાત મુજબના કામો માટે નાણા ફાળવવા અનુમતિ આપી છે.

મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારોમાં સડકોના નિર્માણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ 597.73 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

આ કામો અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં 857 જેટલા માર્ગોના કામો કારપેટ, રી-કારપેટ, હયાત રસ્તા પહોળા કરવા, નવા બનાવવા, સી.સી. રોડ એમ બહુવિધ કામો માટે 464.92 કરોડના કામ કામો મંજુર કર્યા છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ચાર માર્ગીય રસ્તા, RCC, મેટલ ગ્રાઉટીંગ જેવા રસ્તાઓના 20 કામો માટે રૂ. 68 કરોડ તેમજ જામનગર મહાનગરપાલિકાને સી.સી. રોડના 18 કામો માટે રૂ. 43.81 કરોડના કામોની સિદ્ધાંત મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ નવરચિત મહેસાણા મહાનગરપાલિકાને 21 કરોડ રૂપિયાના નવા માર્ગો બનાવવા, અન્ડર પાસના, એપ્રોચ રોડ બનાવવા વગેરે માટે ફાળવ્યા છે.

તેમણે નગરો-મહાનગરોમાં ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર લાઈન, ગાર્ડન, લાઇબ્રેરી, રિચાર્જ વેલ, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખ ઉભી થાય તેવા કામો અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો અંતર્ગત સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી કુલ મળીને 1249.38 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

તદ્અનુસાર, 3 નવરચિત મહાનગરપાલિકાઓ પોરબંદરને રૂ. 200.35 કરોડ, આણંદને રૂ. 4 કરોડ તેમજ મહેસાણાને રૂ. 256 કરોડ સહિત ભાવનગર મહાનગરપાલિકાને રૂ. 451 કરોડ અને જામનગરને રૂ. 317 કરોડ તથા ગાંધીનગર મહાનગરને રૂ. 171 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ આઉટ ગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ માટે રોડ-રસ્તાના કામો, ભૂગર્ભ ગટર, બોક્સ ડ્રેઈન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે કુલ 170.08 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ કામોથી ભાવનગર મહાનગરપાલિકાને રૂ. 71 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. 66.91 કરોડ, મહેસાણા મહાનગરપાલિકાને રૂ. 22.50 કરોડ તેમજ ગોધરા નગરપાલિકાને રૂ. 7.99 અને ગણદેવીને રૂ.1.68 કરોડના કામો હાથ ધરવા અનુમતિ આપી છે.

તેમણે ત્રણ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને કેનાલ સાઈડ પ્રોટેકશન વોલ, ડી.પી. રોડના બાંધકામ, લાઇબ્રેરી બિલ્ડિંગ વગેરે માટે કુલ 20.19 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે

મુખ્યમંત્રીશ્રીએ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ. 11.62 કરોડ, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ. 1.40 કરોડ અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ. 7.17 કરોડના કામો હાથ ધરવા અનુમતી આપી છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના કામો માટે વડોદરા મહાનગરપાલિકાને પેવર બ્લોક, ગટર જોડાણના કામો માટે 2.49 કરોડ, કડી નગરપાલિકાને રૂ. 2.29 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 0.83 કરોડ, આણંદ મહાનગરપાલિકાને 3.37 કરોડ તથા પાલનપુર નગરપાલિકાને 0.24 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ મુખ્યમંત્રીએ આપી છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ અંકલેશ્વર નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા સીનીયર સીટીઝન ગાર્ડનના આગવી ઓળખના કામો માટે 7.91 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી રાજ્યમાં નગરો-મહાનગરોમાં આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસની દિશા આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સર્વગ્રાહી વિકાસની દિશાને વધુ સંગીન બનાવીને 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી દ્વારા રાજ્યના શહેરોને વર્લ્ડ ક્લાસ, સ્માર્ટ અને સસ્ટેઈનેબલ બનાવવાના નિર્ધાર સાથે વિકાસ કામો માટે આ નાણાંની ફાળવણી કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande