ગીર સોમનાથ 9 મે (હિ.સ.) જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાજિક ન્યાય સમિતિ અને સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને સમાજ કલ્યાણ શાખાની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર તેમજ યોજનાકીય સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતીના ભાગરૂપે જૂદી-જૂદી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રાજ્ય સરકાર એસ.સી, એસ.ટી તેમજ વિવિધ પછાતવર્ગના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ અને સંવેદનશીલ છે. રોડ-રસ્તા, રહેવા માટે ઉત્તમ ઘર, શ્રેષ્ઠ શિક્ષણ સહિતની સમાજના છેવાડાના વર્ગને સર્વોત્તમ સુવિધા મળે તે માટે જિલ્લા પંચાયતના તમામ પદાધિકારી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સતત પ્રયત્નશીલ છે.
આજરોજ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ હસ્તકની વિવિધ યોજનાઓ પૈકી ડૉ.આંબેડકર આવાસ યોજનાના કુલ ૭૦ લાભાર્થીઓને રૂ. ૩૩.૬૦ લાખની સહાય તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ ૫૩ લાભાર્થીઓને ૬.૩૬ લાખની એમ કુલ ૧૨૩ લાભાર્થીઓને રૂ. ૩૯.૯૬ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ ડૉ.બાબાસાહેબ આંબેડકરનું જીવન-કવન વિશે વાત કરી તેમની સંઘર્ષથી સફળતાની વાત વર્ણવી પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના તમામ લોકો સુધી પહોંચે તેના માટે મહત્તમ પ્રચાર-પ્રસાર થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
જિલ્લા સમાજ કલ્યાણ નીરિક્ષક વિનોદભાઈ પરમાર અને જગદિશ ધારેચાએ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ સહિત કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, વિદેશ સહાય સહાય યોજના, આવાસ યોજના, અભ્યાસ લોન, વકીલાત સ્ટાઈપેન્ડ સહિત વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની તલસ્પર્શી માહિતી આપી હતી.
જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જ્ઞાનની વહેંચણીથી જ વૃદ્ધિ થાય છે. જીવનમાં શિક્ષણની જ્યોત પ્રજ્જવલીત કરવી અત્યંત જરૂરી છે. અભ્યાસ હોય કે શિક્ષણ, આરોગ્ય હોય કે ખેતીવાડી....આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જે લોકો, સરકારના અલગ-અલગ વિભાગમાં કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર નથી તેમને માહિતી આપી અને વધુમાં વધુ યોજનાનો લાભ લે એવો છે.
આ તકે, કારોબારી ચેરમેન ડાહ્યાભાઈ જાલોંધ્રા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વી.ઓ.જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદખિયા, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રતાપભાઈ પરમાર, પ્રવિણભાઈ આમહેડા, ડૉ.શૈલેષ વાઘેલા, જાદવભાઈ ભોળા, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ