ગાંધીનગર, 9 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ “રાષ્ટ્રીય કૃષિ સંમેલન: ખરીફ અભિયાન-2025”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ખરીફ સીઝનના આયોજન માટે આજ તા. 8 મે, 2025ના રોજ યોજાયેલા આ સંમેલનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તેમજ ખેતી નિયામક પી. એસ. રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.
સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”ની જાહેરાત કરતા કહ્યું હતું કે, દેશના ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય જાળવીને ખેત ઉત્પાદકતા વધારવા તેમજ પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે ભારત સરકાર દ્વારા દેશભરમાં આગામી તા. 29 મે થી 12 જૂન દરમિયાન વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યોજવામાં આવશે. આ અભિયાન દરમિયાન આશરે 2000 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો દેશના 700 જિલ્લાની મુલાકાત લઈને સ્થાનિક ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય, ખરીફ પાક, બિયારણ તેમજ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપશે.
આ રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતો વતી ભારત સરકારને ટેકાના ભાવની ખરીદી માટે રાજ્યના કુલ ઉત્પાદનના ૨૫ ટકાની મર્યાદાને વધારીને 40 ટકા કરવા માટે તેમજ દિવેલા પાકને ટેકાના ભાવે ખરીદીમાં સમાવવા માટે ભલામણ કરી હતી. આ ઉપરાંત કૃષિ મંત્રીએ આગામી ખરીફ-2025માં વાવેતર સમયે જરૂરી એવા ડીએપી ખાતર તેમજ અન્ય ખાતરોની માંગ મુજબ ઉપલબ્ધતા થાય અને સમયસર ખાતરની ફાળવણી થાય તે માટે પણ રજૂઆત કરી હતી.
આટલું જ નહિ, મંત્રી પટેલે રાષ્ટ્રીય સંમેલનમાં ઉપસ્થિત સૌને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરુ કરાવેલી કૃષિ મહોત્સવ, પાક ધિરાણ જેવી ગુજરાત સરકારની કૃષિલક્ષી નવતર પહેલોની સફળતા, સિદ્ધિઓ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે ખેડૂતોના હિતમાં અમલમાં આવનાર નવી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. તદુપરાંત, મંત્રીએ રાજ્યના ખેડૂતોને રૂ. 3 લાખના સ્થાને રૂ. 5 લાખનું પાક ધિરાણ ઝડપથી મળે તેવી વ્યવસ્થા કરવા તેમજ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરવા પાત્ર જરૂરી ફેરફાર બાબતે પણ ભારત સરકારને સૂચન કર્યું હતું.
આ પ્રસંગે વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીઓ, ભારત સરકારના કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ રાજ્યોમાંથી સંમેલનમાં સહભાગી થવા પધારેલા કૃષિ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ