સુરત, 9 મે (હિ.સ.)-રાજ્યના પ્રત્યેક વ્યક્તિને ત્વરિત આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સરકાર કામગીરી કરી રહી છે. ત્યારે, છેવાડાના માનવી સુધી વિવિધ રોગ સામે રસીકરણનું સુરક્ષા કવચ પ્રદાન કરવા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે. જિલ્લાની ૩ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૫૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૪ અર્બન હેલ્થ સેન્ટર, ૩૫૭ આયુષ્માન આરોગ્ય મંદિરના માધ્યમથી રસીકરણની કામગીરી થઈ રહી છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં સુરત જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ બી. પટેલ અને જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. પિયુષ વાય. શાહના માર્ગદર્શન હેઠળ રસીકરણ માટે અનેકવિધ આયોજન હાથ ધરવામાં આવ્યાં હતાં. જેમાં સગર્ભા તેમજ બાળકો સહિત કુલ ૪૯,૩૧૭ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને રસીકરણ માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. શ્રમિક તેમજ મજૂરવર્ગ પણ રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્યકર્મીઓ અને આશાવર્કર બહેનો સતત પ્રયાસરત રહે છે.
આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં સઘન રસીકરણ દ્વારા ૨૧,૧૨૧ સગર્ભાઓને ધનુરની રસી અને ૨૮,૧૯૬ બાળકો સહિત કુલ ૪૯,૩૧૭ લોકોને રસીકરણના માધ્યમથી વિવિધ રોગ સામે સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રસીકરણ એ અનેક જીવલેણ અને ગંભીર બીમારી સામે રક્ષણનું અમોઘ શસ્ત્ર છે. નવજાત શિશુ અને બાળકોમાં થતા બાળરોગોનું માંદગી પ્રમાણ અને મરણના પ્રમાણને અટકાવવા માટે રસીકરણ મહત્વની ભૂમિકા ભજવે છે. આરોગ્ય વિભાગ દ્વારા મહિલા સગર્ભા બને ત્યારથી જ તેમની નિયમિત મુલાકાત અને આરોગ્ય તપાસ થકી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે