વર્ષ 2030 સુધીમાં સુરત શહેરની વીજ માંગ 5200 મેગાવોટ થવાની સંભાવના
સુરત, 9 મે (હિ.સ.)-સુરત શહેર-જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાને વીજળીની માંગ સતત વધી રહી છે, જેથી ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે જેટકો, ડીજીવીસીએલ, સુડા, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે નાણા અને ઉર્જા મંત્રી અને જિલ્લા પ્
Surat


સુરત, 9 મે (હિ.સ.)-સુરત શહેર-જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાને વીજળીની માંગ સતત વધી રહી છે, જેથી ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે જેટકો, ડીજીવીસીએલ, સુડા, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે નાણા અને ઉર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં નવા સબ સ્ટેશનોના નિર્માણ માટે જગ્યા મેળવવા અંગેની કવાયત હાથ ધરવા સંબધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સુરત સૌથી ઝડપથી વિકાસની રાહ પર આગળ વધતું શહેર છે. જિલ્લામાં પણ અનેક નવી ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે, અને અનેક નવા ઉદ્યોગ એકમો સ્થપાઈ રહ્યા છે, જેથી લોકોને ગુણવત્તાયુકત વીજળી મળી રહે અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે. આગામી સમયમાં નવા સબ સ્ટેશનો ઉભા કરવા જગ્યાઓની જરૂરિયાત માટે મહાનગરપાલિકા તથા સુડા સાથે સંકલન સાધીને જગ્યાઓ મેળવવા જેટકોના અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત વેલ્યુએશનને આધારે પણ જગ્યાની ખરીદી કરી શકાય તેમ હોય તો શક્યતા ચકાસી આગળ વધવા જણાવ્યું હતું.

જેટકોના અધિક્ષક ઈજનેર નવસારી શ્રી પી.એન.પટેલે વિગતો આપતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં 25 હજાર મેગાવોટ વીજ વપરાશ થાય છે, જે પૈકી 3200 મેગાવોટનો વીજ વપરાશ માત્ર સુરત સિટીમાં થાય છે. આગામી પાંચ વર્ષ માટે સુરત શહેરમાં અંદાજે 5200 મેગાવોટ વીજ વપરાશની જરૂરિયાત ઉભી થશે. જેથી વર્ષ 2030 સુધીમાં વીજ માંગને પહોચી વળવા માટે સુરત મનપા વિસ્તારમાં 26 અને સુડા વિસ્તારમાં 24 સબ સ્ટેશનો સ્થાપવા પડશે. આ ઉપરાંત પલસાણા, ચોર્યાસી અને ઓલપાડના રેવન્યુ વિસ્તારમાં ૩૨ સબ સ્ટેશનોની જરૂરીયાત ઉભી થશે.

મંત્રીશ્રીએ મોટા વરાછાના ઉત્રાણ પાસે પાવર સ્ટેશનની જગ્યા ખૂલ્લી કરીને રસ્તો બનાવવાની સૂચના આપી હતી.

બેઠકમાં મેયરશ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, ડીજીવીસીએલના એમ.ડી. યોગેશ ચૌધરી, જિ. વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, સુડાના સી.ઈ.ઓ. કે.એસ.વસાવા, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજન પટેલ, જેટકો, ડીજીવીસીએલ તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande