પાટણ, 14 જૂન (હિ.સ.) : ચાણસ્મામાં સાઈબાબા મંદિરની બાજુમાં આવેલ ધુણાવાળા મંદિરમાંથી થયેલી ચાંદીની પાદુકાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આરોપી ભરતભાઇ વિભાભાઇ રાવળને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે, જે રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામનો રહેવાસી છે.
પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ 7 જૂન 2025ના રોજ મંદિરમાંથી ચાંદીની પાદુકા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી અંદાજે 1.5 કિલોગ્રામ વજનની ચાંદીની પાદુકા કબજે કરી છે, જેની કિંમત રૂપિયા 75,000 થાય છે. ઉપરાંત તેની પાસેથી રૂપિયા 5,700 રોકડા પણ મળ્યા છે. ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ મામલે IPC કલમ 305(ઘ) અને 332(ગ) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતા મેળવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર