પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં એક વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ હવે ઉકેલાયો છે. એલસીબી પાટણએ સચિન જયંતીભાઈ ઠાકોરને રૂ. 1.01 લાખની કિંમતના સોનાના બિસ્કિટ સાથે સમી ગુજરવાડા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો છે. પોલીસે તેનો વિસિષ્ટ પુછપરછમાં ખુલાસો કર્યો છે કે તેણે રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોર સાથે મળીને કાંતિભાઈ પટેલના ઘરમાં ચોરી આચરી હતી. ચોરીમાં મળેલું સોનાનું બિસ્કિટ તે વેચવા માટે લઈને ફરતો હતો.
આ કાર્યવાહી પોલીસ અધિક્ષક વી.કે. નાયકના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા હાથ ધરેલી કાર્યવાહીનો હિસ્સો છે. પોલીસે સચિન ઠાકોરની ધરપકડ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023ની કલમ 35(1)(ઇ) હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, અને કબજામાં લીધેલા સોનાના મુદ્દામાલને IPC કલમ 106 મુજબ કબજે કર્યો છે.
હાલમાં આ કેસના બે અન્ય આરોપીઓ, રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોર, બંને અમરાપુર ગામના રહેવાસી છે અને ફરાર છે. પોલીસ આ બંને આરોપીઓની ધરપકડ માટે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર