પાટણ, 30 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકા સેવા સદન ખાતે રેશનકાર્ડ EKYC માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગામડાંમાંથી આવતા લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને સર્વર ડાઉન રહેવાના કારણે દરરોજ માત્ર 2થી 4 EKYC જ થઇ શકે છે. પરિણામે ઘણા અરજદારોને નિરાશ થઈ ઘેર પરત ફરવું પડે છે.
જિલ્લા પુરવઠા અધિકારીએ તાજેતરમાં સમીની મુલાકાત લીધી હતી અને રેશનકાર્ડ ધારકોની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે પુરવઠા શાખાના અધિકારીઓને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી. જિલ્લાનો સમી તાલુકો પછાત વિસ્તારમાં આવે છે અને ત્યાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે મહત્વપૂર્ણ છે.
જિલ્લા અધિકારીએ સર્વે કરીને લોકોના પ્રશ્નોને નોંધ્યા હતા અને ખાસ કરીને EKYCની સમસ્યાને દુર કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં, હાલની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી અને સર્વર ડાઉન જેવી સમસ્યા યથાવત હોવાથી અરજદારોને આજે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર