સુરત, 30 જૂન (હિ.સ.)-સુરતના ઈચ્છાપોર ગામે આવેલ પ્રકાશ જવેલર્સમાં 26મી તારીખે રાત્રે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. એક અજાણ્યા ઈસમે દુકાનના શટરના તાળા તોડી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના દુકાનની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
દુકાનના માલિક પબાભાઈ પટેલે તાત્કાલિક ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસ અને સર્વેલન્સ ટીમે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને બાતમીના આધારે આરોપી આકાશ સુરેશભાઈ પટેલ (ઉ.વ. 30)ને ઝડપ્યો.
આકાશે પૂછપરછમાં કબૂલાત આપી હતી કે તે અગાઉ હજીરા વિસ્તારમાં એટીએમ તોડવાની ઘટનામાં પણ પકડાયો હતો. એક સમય દરમિયાન સિટી બસમાં નોકરી કરનાર આકાશ છેલ્લા ત્રણ મહીનાથી બેરોજગાર હતો અને આર્થિક સંકટના કારણે ગુનાહિત માર્ગે વળી ગયો હોવાનું પણ સ્વીકાર્યું.
હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આકાશ કોઇ ગુનાહિત ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે