વડોદરા, 8 જૂન (હિ.સ.)- વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેપાર પર પીસીબી (PCB) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિઠ્ઠલકૃપા સોસાયટીમાં દારૂનો જથ્થો અને વાહનો સાથે બે બુટલેગરોને પકડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આયોજક પીનેષ રાણા ઘટના સ્થળેથી ફરાર થયો છે.
પીસીબી ટીમે ભાવીન જાધવ અને દેવ ઉર્ફે પિન્સુ ચૌધરીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. બંને શખ્સ કારના માધ્યમથી દારૂની હેરાફેરી કરતા હતા. દરોડા દરમ્યાન પોલીસે રૂ.2.36 લાખનો દારૂ અને બંને કાર મળીને કુલ રૂ.4.78 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઘરના અંદર તપાસ દરમિયાન પણ ચાર ડોલ, ડ્રમ અને થેલામાં છુપાવેલો દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કારોમાં છુપાવેલી દારૂની 19 બોટલ, 180mlની 480 બોટલ અને 199 બિયરના ટીન મળ્યા હતા. અલ્ટો કાર પીનેષ રાણાની હોવાનું સામે આવ્યું છે, જે દારૂના ડિલિવરી માટે વિવિધ લોકોને પગાર ચૂકવી રહ્યા હતા.
હવે પોલીસ પીનેષ રાણાને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી રહી છે અને વધુ આરોપીઓ હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે