પટણા, 10 જુલાઈ (હિ.સ.). આર્થિક ગુના એકમ (ઈઓયુ) એ, આજે સવારે રાજધાની પટના, સહરસા અને સીતામઢીમાં દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બિહાર સરકારના એક અધિકારીના નિવાસસ્થાન અને અન્ય સ્થળોએ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિહાર રાજ્ય શૈક્ષણિક માળખાગત વિકાસ નિગમ લિમિટેડ (બીએસઈઆઈડીસી) ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રમોદ કુમારના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ઈઓયુ ની એક ટીમ સીતામઢીમાં, ત્રણ ટીમો સહરસા અને બે ટીમો પટણામાં કાર્યવાહી કરી રહી છે. આ ટીમોમાં આર્થિક ગુના એકમના વરિષ્ઠ અધિકારીઓ અને ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ થાય છે. ત્રણેય સ્થળોએ સુરક્ષા દળના કર્મચારીઓ તૈનાત છે.
ઈઓયુ ની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રમોદ કુમાર પાસે તેમની જાણીતી આવક કરતાં 309.61 ટકા વધુ સંપત્તિ છે. આ આધારે, ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમો હેઠળ 9 જુલાઈના રોજ આર્થિક ગુના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આજ સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં જમીન અને મિલકતના કાગળો, બેંક ખાતા, રોકાણ સંબંધિત ફાઇલો અને કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ડિજિટલ ડેટાની ફોરેન્સિક તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિહાર પોલીસ મુખ્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દરોડો રાજ્ય સરકારની 'ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ' નીતિ હેઠળ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ