પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં પરિષદના કમલેશભાઈ સ્વામી, કેયુરભાઈ જાની, નરેન્દ્રભાઈ અને રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ વિશે ઉદ્દબોધન આપ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને શાળાની સ્વચ્છતા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા.
આ પ્રસંગે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. વર્ગદીઠ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર 12 વિદ્યાર્થીઓને શાળા તરફથી મેજિક કપ વડે સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત, ગુરુપૂર્ણિમાના અવસરે વિદ્યાર્થીઓએ સંવેદનાત્મક વક્તવ્ય આપ્યા અને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપ્યા ગયા.
શિક્ષિકા શીતલબેન અને કિન્નરીબેનને કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓને પ્રદેશ કક્ષાએ લઈ જવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. તદુપરાંત, ટ્વિન્કલબેન પટેલને શાળાના પરિવહન વ્યવસ્થાપન માટે અને બીનાબેન પટેલ તથા પ્રિયંકાબેન પટેલને સાંસ્કૃતિક કાર્યક્રમના સફળ આયોજન માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર