ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઇ ડિવિઝનની બેઠક તાજેતરમાં યોજાઇ હતી. જેમાં કચ્છ અને મુંબઇને જોડતા તથા જિલ્લાના અન્ય ભાગોને જોડતા ટ્રેનના પ્રશ્નો કચ્છ પ્રવાસી સંઘના સભ્યો દ્વારા રેલવે સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને વધુ સુવિધા ઉભી કરવા અને ટ્રેનના રૂટ સુનિશ્ચિત સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. જો દાદર સ્ટેશને રેલવેની માળખાકિય સુવિધાઓ સમયસર પૂરી થાય તો કચ્છ એક્સપ્રેસ ટ્રેન દાદરથી દોડે તેમ મનાઇ રહ્યું છે.
મુંબઇ સેન્ટ્રલ ખાતે પશ્ચિમ રેલવેના ડીઆરએમ પંકજસિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં મુંબઇ - કચ્છ રેલવે સુવિધા અંગે DRUCCના સભ્ય નિલેશ શ્યામ શાહ, રમણીક લાલજી સંગોઇ, અને હસમુખ ગાલાએ રજૂઆત કરી હતી.
ટ્રેનનો એક ફેરો વધારવો ફાયદાકારક
રજૂઆતોમાં જણાવ્યું હતું કે, ટ્રેન નં. 12959/60 તથા 12965/66નો કચ્છ - મુંબઇ વચ્ચે એક રેક ચાલે છે, જે અઠવાડીયામાં ચાર ફેરા કરે છે, અઠવાડીયામાં વધુ એક ફેરો મારી શકે છે, જેથી રેલવેને આર્થિક ફાયદો પણ થઇ શકે તેમ છે.
મુંબઇ – ગાંધીધામ ટ્રેન કાયમી ધોરણો ચલાવો
આ ઉપરાંત, સ્પેશયલ ટ્રેન નં. 09415/16 ઘણાં વખત થી દર ગુરુવારે મુંબઇ - ગાંધીધામ અવાગમન કરે છે તેને કાયમી ધોરણે દોડાવવી જોઇએ. આ મામલે રેલવેના અધિકારીઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. તો, અમૃત ભારત ટ્રેન માટે માગણી કરાઇ હતી અને સયાજીનગરી એકસપ્રેસમાં સફાઈ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
મુસાફરો માટે આ અગત્યના મુદ્દાઓ પણ પૂછાયા
ભારતભરની પ્રાઇમ ટ્રેનોમાં વેકેશન દરમિયાન રિઝર્વેશન બુકિંગ વખતે ફક્ત 30 સેકન્ડમાં વેઇટિંગ આવી જતું હોય છે. આવું કેવી રીતે થાય છે. જેનો ઉકેલ અનિવાર્ય છે. જેથી મુસાફરોને સરળતા રહે. વધુમાં, તત્કાલ ટિકિટ બુકિંગ કરવાં ઓનલાઈન વિગત નાખવામાં આવે ત્યારે સિસ્ટમ કેમ ક્રેશ થાય છે? આ મુદ્દે ગંભીર નોંધ લેવામાં આવી હતી.
દાદરમાં પ્લેટફોર્મ નં. 8 નું કાર્ય વર્ષાંતે શરુ થશે
વિવિધ ટ્રેનમાં AC કોચમાં ચોરી અંગે પણ રજુઆત કરાઇ હતી. જરૂર પડે તો કોચમાં CCTV કેમેરા લગાવવા જોઇએ એમ પણ જણાવાયું હતું. ડીઆરએમએ કહ્યું કે, આ પ્રસ્તાવ રેલ્વે બોર્ડે મંજૂર કર્યો છે અને તેનું અમલીકરણ ટૂંકસમયમાં થશે. દરમિયાન, દાદર ટર્મિનસ માં પ્લેટફોર્મ નં. 8 નું કાર્ય વર્ષાંતે શરુ થઈ જશે જેથી ભુજ દોડતી કચ્છ એકસપ્રેસ દાદરથી શરૂ થવાની સંભાવનાઓ છે. દાદર પ્લેટફોર્મ નં. 6/7 નાં FOB બ્રીજ પર લીફટની વ્યવસ્થા શરુ કરવા પણ જણાવાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA