પાટણ, 12 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના કલેક્ટર તુષાર ભટ્ટે રાધનપુર-ચાણસ્મા સ્ટેટ હાઇવે પર આવેલ બનાસ નદીના જૂના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. 1965માં બનેલા આ બ્રિજ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33(1)(ખ) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
હવે ભારે વાહનોએ વૈકલ્પિક માર્ગ તરીકે રાધનપુર-સીનાડ-ઉણ-થરા-ટોટાણા-રોડા-વેજાવાડા-બોરતવાડા-હારીજ માર્ગનો ઉપયોગ કરવો રહેશે. આ નિર્ણય 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે.
જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેના પર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી થશે. હેડ કોન્સ્ટેબલથી ઊંચા દરજ્જાના પોલીસ અધિકારીઓને નિયમ ભંગની ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર