ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) ચાલુ વર્ષે ચોમાસાની કચ્છમાં પણ સારી શરૂઆત છે અને અત્યાર સુધી કચ્છમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. તળાવ અને ડેમ ભરાયા છે અને નવા નીરની આવક છૂટાછવાયા અને મધ્યમ ઝાપટાઓ વચ્ચે થઇ રહી છે. આની વચ્ચે વાગડના રાપર નગરના નવા નીર સંગ્રહ થાય તેમ આવ્યા છે. નવીનીકરણ દરમિયાન આવને અસર થઇ હોવાના લીધે વરસાદી પાણીની આવક ઘટી હતી. જોકે આ વખતે આંઢવાળા તળાવમાં જળસંગ્રહ થયો છે.
નગાસર નર્મદાના વોટર સ્ટોરેજ માટે રખાયું
રાપર શહેરનાં બે તળાવ પૈકીનું નગાસર તળાવ નર્મદા કેનાલનો વોટર સ્ટોરેજ બનાવવામાં આવ્યું હોવાથી તેની કુદરતી પાણીની આવ બંધ કરવામાં આવી છે. પરિણામે તેમાં વરસાદી પાણીના નીરનો સંગ્રહ થતો નથી. બીજી બાજુ આંઢવાળા તળાવના બ્યૂટિફિકેશન માટે તેમાં સુધારણા સહિતની તોડ ફોડ કરવામાં આવી હતી.
આંઢવાળું તળાવ બે વર્ષે નવા નીર સાથે ભરાયું
જોકે, બે વર્ષ બાદ નવા ક્લેવર સાથે આંઢવાળું તળાવ ભરાયું છે. આ તળાવની કુદરતી વરસાદી આવ ચાલુ રાખવામાં આવી હોવાથી સારા વરસાદે ઓગનથી વેંત છેટું રહ્યું છે, જે હવે પછીના વરસાદમાં ઓગની જતાં તેને વધાવવાનું નવા બનેલા પ્રમુખને નસીબ થશે. આંઢવાળાં તળાવનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે, તો સોનાંની થાળીમાં લોઢાની મેખ જેવું નબળું અને પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયેલી પાળનું પેચવર્ક પણ કરવામાં આવ્યું છે. આ તળાવને લોકભોગ્ય રાખવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA