અમરેલી, 15 જુલાઈ (હિ.સ.) પશુપાલન, પશુસંવર્ધન અને મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા આયોજન મંડળની ૨૦૨૫-૨૬ માટેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી કેઈ. આર. પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા સાથે આગામી વર્ષ માટેના વિકાસ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રભારી મંત્રીશ્રીએ તમામ વિભાગોને people-centric અને સમયમર્યાદા હેઠળ કામગીરી પુરી કરવાની સૂચનાઓ આપી. ખાસ કરીને પીવાના પાણી, ખેતીવાડી, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, પીજીવીસીએલ તેમજ પંચાયત વિભાગના કામોની પ્રાથમિકતા પ્રમાણે યોજના બનાવવાની વાત કરી.
મંત્રીએ તાલુકાવાર વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાને લઈ કામગીરીના માર્ગદર્શક તથ્યો મંડળ સમક્ષ રજૂ કરવા અધિકારીઓને સૂચવ્યું. મત્સ્યોદ્યોગ અને પશુપાલન ક્ષેત્રે પણ ખાસ ધ્યાન આપવાની અને ખેડૂતો તથા પશુપાલકોને સીધી સહાય ઉપલબ્ધ થાય તે દિશામાં યોજનાઓ ઘડવા સૂચના આપી.
બેઠક અંતે મંત્રીશ્રીએ જણાવ્યું કે જિલ્લાનો સર્વાંગી વિકાસ અને સુવિધાઓ લોકોને આસાનીથી ઉપલબ્ધ થાય તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. વિવિધ વિભાગો સમન્વયપૂર્વક કામગીરી કરે અને ગ્રાઉન્ડ રિયાલિટી મુજબ યોજનાઓ તૈયાર કરે તે જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek