ભાવનગર 15 જુલાઈ (હિ.સ.) : ભારત સરકારની વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તા.15/07/2025ના રોજ પાલીતાણા શહેરના કપોળ વાડી બસ સ્ટેન્ડ રોડ સ્થિત સ્થળ પર વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે 10:00 કલાકે શરૂ થઈ સાંજે 5:00 કલાક સુધી યોજાયો.
આ કેમ્પમાં પાલીતાણા તથા આજુબાજુના વિસ્તારના 60 વર્ષથી વધુ વયના આવક કરદાતા નહીં હોય એવા વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે મેડિકલ તપાસ કરીને જરૂરી સહાયક સાધનો આપવામાં આવશે. જેમાં 15 પ્રકારના વિવિધ સાધનો જેમ કે વોકિંગ સ્ટીક, વોકર, કૃતિમ દાંત, કાનનાં મશીન, ટ્રાઈપોડ સ્ટીક, ચશ્મા, કટલરી, સ્પ્લિન્ટ, હિયરિંગ એઇડ, રૂબર શૂ, વ્હીલ ચેર, બેડ સીટ, મેટ્રેસ વગેરે સહાયક સાધનોનો સમાવેશ થાય છે.
કેમ્પ દરમ્યાન પાત્ર વ્યક્તિઓની તબીબી તપાસ કરી તેમને જરૂરી સાધનો પસંદ કરવામાં આવશે અને આગામી તબક્કામાં તેઓને તે સાધનો વિતરણ કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજીને વધુમાં વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ આપવાનો દેશ અને રાજ્ય સરકારનો પ્રયત્ન છે. આ સેવામાં લાભ લેવા માટે આધારકાર્ડ, આવક દાખલો અને વસવાટનું પુરાવો લાવવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક નગરપાલિકા અને રાજ્યની સામાજિક ન્યાય વિભાગના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek