રાજકોટ, 15 જુલાઈ (હિ.સ.) : રાજકોટના વિવાદાસ્પદ જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કલેક્ટર મેદાનમાં ઉતર્યા છે. આજે જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ, તંત્ર સાથે ગોંડલ નજીક નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક વીરપુર પાસેનો ટ્રાફિક હળવો કરવા નવો બનતો બ્રિજ કામ પૂર્ણ થતાં ચાલુ કરાવી દીધો હતો તેમજ ખૂબ જ ટૂંક સમયમાં અન્ય બે બ્રિજની કામગીરી પણ પૂર્ણ થઈ જતા તેને પણ શરૂ કરી દેવાની સૂચના આપી હતી.
જિલ્લા ક્લેક્ટર ડૉ.ઓમપ્રકાશ, આજે સવારે ગોંડલ નજીક ગોમટા પાસે ચાલતા ઓવરબ્રિજના પ્રગતિ હેઠળના કામોના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ તકે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેનેજર અશોક ચૌધરી પાસેથી વિવિધ કામોની વિગતવાર માહિતી મેળવી હતી.
તેમણે વર્તમાન કામગીરીની સમીક્ષા કરીને તેનો અહેવાલ બનાવીને, કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે ખૂટતું માનવબળ, બાંધકામ સામગ્રી તેમજ મશીનરી કામે લગાડવા સૂચના આપી હતી. આ કામગીરી ચાલુ છે ત્યાં સુધી વાહન-વ્યવહાર સરળ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા પણ સૂચના આપી હતી.
આ માર્ગ પર ટ્રાફિકના સુગમ સંચાલન માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક જામ થાય છે તેવા વિવિધ ૧૪ જેટલા સ્થળો પર ક્રેન મૂકવામાં આવી છે તેમજ ૧૬ જેટલા સ્થળો પર જામ નિવારવા ટ્રાફિક માર્શલ મૂકવામાં આવ્યા છે. જેનું કંટ્રોલ રૂમમાંથી સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે.
ઉપરાંત ટ્રાફિક પોલીસને સાથે રાખીને ટ્રાફિકજામવાળા સ્થળો ઓળખીને તેમજ ખોટી દિશામાંથી વાહનોની અવરજવર અટકાવીને ત્યાં ટ્રાફિક સુગમ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો નેશનલ હાઈવે પરના ટ્રાફિકજામ અંગે ફરિયાદ કરી શકે તે માટે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ