જામનગર/ગાંધીનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મતદાન મથકોના પુનર્ગઠન અંગેની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીઓએ કલેક્ટર સમક્ષ જરૂરિયાત મુજબના અમુક વિસ્તારોમાં બૂથ ફાળવણી કરવા, મતદાન અંગેના નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા, ભૌગોલિક રીતે એકબીજાથી નજીક આવેલા નેસ વિસ્તારોમાં નવા બૂથ મંજૂર કરવા અને સીમાંકન મુજબ બૂથની યાદી મેળવવા જેવી બાબતો અંગે રજુઆત કરી હતી. કલેક્ટરશ્રીએ આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, મતદારોને બૂથને લઈને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને મતદાન વખતે બૂથ અંગે કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રકારે આયોજન હાથ ધરવામાં આવે. તેમણે ઉપસ્થિત પ્રાંત અને ચૂંટણી અધિકારીઓને આ અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, તમામ પ્રાંત અધિકારીઓ અને રિટર્નિંગ ઑફિસર્સ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ