રાજકોટ 15 જુલાઈ (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બોલેગા બચપન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. બાળમિત્ર શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવા અને બાળકોની અભિવ્યક્તિ કૌશલ્ય વિકાસ માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને વાર્તા કહેવા, કવિતા વાંચન, દૈનિક પ્રસંગો અંગે અભિવ્યક્તિ વ્યક્ત કરવાની તકો આપવામાં આવી રહી છે.
પ્રોજેક્ટના અમલનું મૂલ્યાંકન કરવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરવાની (IAS)એ, શાળા નં. ૩૨ ખાતે મુલાકાત આપી હતી. તેમણે કક્ષાઓમાં જઈ બાળકો સાથે વાતચીત કરી અને બાળકો દ્વારા રજૂ કરવામાં આવતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. બાળકો દ્વારા રજૂ કરાતી પ્રવૃત્તિઓ અને અભિવ્યક્તિથી તેઓ પ્રસન્ન થયા હતા અને શિક્ષકોને બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવે તેવા પ્રયત્નો કરવા સૂચના આપી હતી.
શ્રી ગુરવાનીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સમગ્ર પ્રોજેક્ટના અમલ અંગે માહિતી મેળવી હતી. સાથે સાથે શાળાની વર્તમાન સ્થિતિ તથા ભવિષ્યની યોજના અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. “બોલેગા બચપન” પ્રોજેક્ટ રાજકોટ સ્માર્ટ સિટી મિશન હેઠળ પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે જેથી મહાનગરપાલિકા વિસ્તારમાં બાળકો માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુલભ બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek