ભુજ – કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) ભારત દેશના અસલી નાયક ખેડૂતો અને પશુપાલકો છે. ભારત દેશની અર્થવ્યવસ્થામાં પશુઓ અને પશુપાલકોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. બિદડાના કોમન સર્વિસ સેન્ટર ખાતે ભારત સરકારના રાજ્યમંત્રીના યોજાયેલા વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ દરમ્યાન વક્તાઓએ જણાવ્યું હતું. પશુપાલન અને ડેરી વિભાગ સચિવ અલ્કા ઉપાધ્યાય સહિતના વક્તાઓએ સમજ આપી હતી.
ઉત્પાદકતા, આનુવંશિક સુધારણા, રસીકરણ સહિતના મુદ્દા ચર્ચાયા
માંડવી તાલુકાના બિદડા ગામે દેશના સંચાર અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયના સી.એસ.સી. ઇ-ગવર્નન્સના બિદડા કોમન સર્વિસ સેન્ટર ખાતે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા પંચાયતીરાજ મંત્રાલય દ્વારા પશુધન ઉત્પાદકતામાં સુધારા, આનુવંશિક સુધારણા, રસીકરણ અને જૈવ સુરક્ષા જેવા મહત્ત્વના વિષયો પર વર્ચ્યુઅલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, દાદરાનગર હવેલી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ અને પોંડીચેરી જેવા રાજ્યો સી.એસ.સી.નાં માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.
ગુજરાતમાંથી કચ્છ અને બનાસકાંઠાની પસંદગી
ગુજરાતમાંથી કચ્છ જિલ્લો તથા બનાસકાંઠાને પસંદ કરાયા હતા, જેમાં ગુજરાતના શ્રેષ્ઠ કોમન સર્વિસ સેન્ટર બિદડા સી.એસ.સી.ની પસંદગી થઇ હતી. આ અવેરનેશ પ્રોગ્રામમાં ભારત સરકાર મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને પંચાયતીરાજ મંત્રાલયના રાજ્યમંત્રી પ્રોફેસર એસ. પી. સિંઘ બઘેલ, પશુપાલન અને ડેરી વિભાગના સચિવ અલ્કા ઉપાધ્યાય, પશુપાલન વિભાગના જોઇન્ટ કમિશનર ડો. આર. જી. બંબલ અને ડો. ભૂષણ ત્યાગી વગેરે અધિકારીઓ જોડાયા હતા, જેમાં ડો. બંબલે જણાવ્યું હતું કે, સી.એસ.સી. દ્વારા વિવિધ મંત્રાલયોના આવા 10000 જેટલા વર્ચ્યુઅલ કાર્યક્રમો થઇ ચૂક્યા છે. આ વર્ષનો પ્રથમ કાર્યક્રમ પશુપાલન વિભાગ સાથે થઇ રહ્યો છે.
સર્વિસ સેન્ટરના સંચાલક સાથે કરાયો સંવાદ
સી.એસ.સી.નાં માધ્યમથી દેશના ખૂણે ખૂણે બેઠેલા પશુપાલકોથી જોડાણ થશે. દેશની આર્થિક વૃદ્ધિમાં પશુપાલન દ્વારા 17.25 લાખ કરોડનું ઉત્પાદન કરી 5.5 ટકાનો વધારો કર્યો છે. વિશ્વના દૂધ ઉત્પાદનમાંથી ચોથા ભાગનું દૂધ ઉત્પાદન ભારતમાં થઇ રહ્યું છે. મંત્રીએ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી બિદડા કોમન સર્વિસ સેન્ટરના સંચાલક ભરત સંઘાર અને બિદડા સી.એસ.સી.નાં માધ્યમથી પશુપાલક દમયંતીબેન કરશન સંઘાર સાથે સંવાદ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA