ભુજ – કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) સમગ્ર દેશના હિન્દુ સંગઠનો સાથે સમગ્ર સંતોની કાયમી માંગ રહી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે પરંતુ સરકારના કાને સંતોની આ માંગણીને કાયમી અવગણવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે. જો 10 દિવસમાં ગાયને ગુજરાતમાં રાજ્યમાતાનો દરજ્જો નહીં તો ભુજમાં કચ્છના સંતો કરશે અનશન એમ પણ સ્પષ્ટ જણાવી દેવાયું છે.
એકલધામના મહંત સહિતના સંતો પહોંચ્યા કલેકટર કચેરી
રાષ્ટ્રીય હિન્દુ સંઘના પ્રણેતા એવા ભચાઉ તાલુકાના એકલમાતાના મંદિરના મહંત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરૂભાઇ એકલના સંત યોગી દેવનાથબાપુ તથા કચ્છના સંતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ માટે મંગળવારે ભુજમાં શક્તિ સંકલ્પ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને કલેકટર મારફતે આવેદન પહોંચાડવામાં આવ્યું છે.
હિન્દુ બહુમતીવાળા ગુજરાતમાં કેમ નહીં?
ગાયને રાજ્ય માતાનો દરજ્જો અપાવવાની માગણી હેઠળ સમગ્ર ગુજરાતના સંતો સાથે કચ્છભારના સંતો એક છે. કચ્છ જિલ્લાના સમસ્ત સંતો અને હિન્દુ સમાજની માંગણી છે કે ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે. દેશના અન્ય રાજ્યોમાં આવું થતું હોય તો સંપૂર્ણ હિન્દુ બહુમતીવાળી ગુજરાત સરકાર આવું કદમ કેમ ના ઉઠાવી શકે?
કચ્છના સંતોનું સરકારને અલ્ટિમેટમ
કચ્છના સંતોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે 10 દિવસમાં આવા નિર્ણયની અમલવારી કરાવે નહી તો કચ્છ જિલ્લાના સંતો કલેકટર કચેરી સામે અનશન ઉપર બેસશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે. આ પત્ર મુખ્યમંત્રીને કચ્છના કલેકટર મારફતે પહોંચાડાયો છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલને પણ આ અંગે પત્ર મોકલાયો છે.
આ સંતો રાષ્ટ્રીય હિન્દુ સંઘ સાથે જોડાયા
યોગી દેવનાથબાપુની સાથે ગરીબદાસ જાગીરના કૃષ્ણનંદનદાસ, વાંઢાય જાગીરના ભરતદાસજી મહારાજ, નેર પાબુદાદા મંદિરના દેવશીભાઇ ભુવા, પાંકડસર જાગીરના મહંત રમેશપુરી બાપુ, કંડલા મહાદેવ મંદિરના કૈલાસપુરી બાપુ તથા સમાજના વિવિધ આગેવાનો સામેલ થયા હતા. કિસાન સંઘ, સૌરાષ્ટ્ર પ્રાન્ત ધર્મ પ્રચારક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA