મહેસાણા/ગાંધીનગર, 16 જુલાઈ (હિ.સ.) : વિજાપુર તાલુકાના ટેચાવા, ડેરિયા અને રણસીપુર ગામના ખેડૂતોએ આ વર્ષે મોટા પાયે કાળા તલનું વાવેતર કર્યું હતું. કુલ મળીને લગભગ 700 વિઘા જમીન પર પાક ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ 23 મેના બાદ પડેલા ભારે વરસાદને કારણે તલના છોડમાં જીવાત લાગી અને પાક બળી ગયો, જેના કારણે આખી મહેનત વ્યર્થ ગઈ.
કાળો તલ વિદેશોમાં નિકાસ થતો પાક છે અને ખેડૂતો તેના વેચાણ માટે તૈયારીઓ કરી રહ્યા હતા. અત્યારના બજાર ભાવ મુજબ 20 કિલો તલનો ભાવ રૂ. 3500 થી 4000 હતો, પણ આ વર્ષે તો ઘણા ખેડૂતો પોતાને માટે પણ એક કિલો તલ બચાવી શક્યા નથી. વરસાદે પાકને પૂરી રીતે બરબાદ કરી નાખ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ત્રણેય ગામમાં કુલ મળીને અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આવી પરિસ્થિતિમાં તેમણે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરવા અને યોગ્ય વળતર ફાળવવાની માંગ કરી છે, જેથી આગામી ચોમાસુ વાવેતર માટે ખેડૂતોને નવો આશરો મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ