ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) ભુજમાં આત્મારામ સર્કલના નજીકના રોડનું મેટલિંગ કરીને સમારકામ કરવામાં આવ્યું છે. સતત ભારે વાહનોથી ધમધમતો આ માર્ગ આમ પણ અવારનવાર બિસમાર બનતો હોય છે ત્યારે વરસાદી ધોવાણ બાદ તેનું સમયસર સમારકામ કરાતાં રાહતની લાગણી ફેલાઇ છે.
મેટલિંગ કરીને રસ્તો કરાયો રિપેર
કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય એ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. મુખ્ય મથક ભુજ શહેરમાં આત્મારામ સર્કલ સહિતના રોડને મેટલિંગ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. વરસાદથી પડેલા ખાડાઓના લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી જેથી યુદ્ધના ધોરણે કામગીરી કરીને મેટલિંગ વર્ક પૂર્ણ કરાયું છે.
પાલિકા દ્વારા પણ આંતરિક રસ્તાઓની સુધારણા
ભારે વરસાદથી પડેલા ખાડાઓની સાફસફાઈ કરીને તેમાં મેટલનું પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ટ્રેક્ટર, જેસીબી મશીનની મદદથી યુદ્ધના ધોરણે રોડ રીપેરીંગની કામગીરી કરાઈ હતી. ભુજ શહેરમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત આયોજનબદ્ધ તરીકે કરવામાં આવી રહી છે. નગરપાલિકા વિસ્તારમાં પણ કામગીરી થતાં આંતરિક રસ્તાઓની સુધારણા થઇ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA